કચ્છ : મુન્દ્રાનાં સૂર્યનગરમાં એક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઈ ગયા, માતાની હાલત ગંભીર
કચ્છના મુન્દ્રામાં એક દુખદ સમાચાર સામે આવ્યા છે. એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઘટના અંગે મળેલી માહિતી મુજબ, મુન્દ્રાના બારોઈ રોડ પર સૂર્યનગરમાં એક ઘરમાં ભીષણ આગ લાગી હતી. રહેણાંક મકાનની અંદર લગાવેલા એસી કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગ લાગવાથી ઘરની અંદર સૂતા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને જાનવી (ઉ.વ. 2)નું મોત નીપજ્યું છે. પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે.
બ્લાસ્ટ બાદ ઘરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોની ડેડબોડીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે કયા કારણોસર કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હાલમાં પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
એસીને લઈને આ બાબતોનું ધ્યાન રાખો
• એસી ઈન્સ્ટોલ કરતી વખતે, તેની પાવર ક્ષમતા અને તમારા ઘર અથવા ઓફિસનો પાવર લોડ તપાસો.
• સ્ટેબિલાઇઝર વગર એસી ના ચલાવો.
• ઉનાળાની શરૂઆતમાં એસી સર્વિસ કરાવો.
• જો AC કોઈ અવાજ કરે અથવા સ્પાર્ક કરે તો તરત જ તેની તપાસ કરાવો.
• એસીની નજીક પડદા વગેરે ન મુકો.
• એસી સતત ન ચલાવો.
• એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરો.