કુછ મીઠા હો જાયે…15 કરોડની મીઠાઈની મીઠાશ-5000 કિલો ટેસ્ટી ફરસાણના ઓર્ડરો
મધમધતી મીઠાશ વિના તહેવારોની ઉજવણી અધૂરી: રાજકોટના સ્વીટ્સ માર્ટ,ડેરીઓમાં માંગ, દિવાળીએ ડ્રાયફ્રુટ સ્વીટ્સની ડિમાન્ડ
દિવાળી એટલે અજવાસ સાથે મીઠાશનું પર્વ.. વર્ષોથી પરિવારની બધી મહિલાઓ એક સાથે પરંપરાગત મીઠાઈ બનાવવાથી લઈ હવે રેડીમેઇડ સ્વીટ્સમાં આજે પણ દિવાળીના તહેવારમાં સૌથી વધારે મીઠાઈ રાજકોટવાસીઓ આરોગી જાય છે. કોરોના પછી લોકો હેલ્થ કોન્સિયન્સ થયા છે તેમ છતાં દિવાળીના આ પાંચ દિવસ મન મૂકીને મીઠાઈ થાય છે.
આ વર્ષે મીઠાઈ બનતી સામગ્રીમાં ભાવ વધારો થયો હોવાથી છતાં પણ રાજકોટમાં 12 થી 15 કરોડની મીઠાઈ ખાણી પીણીના શોખીન રાજકોટવાસીઓ ઝાપટી જશે. જ્યારે પીઝા, સેન્ડવીચ જેવા જંક ફૂડના ક્રેઝ રાજકોટમાં 5,000 કિલો ફરસાણના ઓર્ડરો બુક થયા છે.
રાજકોટમાં મીઠાઈના બિઝનેસ સાથે સંકળાયેલા યુ ફ્રેશના કલ્પેશભાઈ ડોબરીયાએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના પેંડા જગવિખ્યાત છે પણ દિવાળીના સમયમાં ડ્રાયફ્રુટ ની મીઠાઈ વધારે ડિમાન્ડમાં હોય છે જેમાં કાજુકતરી અને બદામકતરીનું વેચાણ વધારે થાય છે.
તેમના મત અનુસાર દશેરામાં રાજકોટનું મીઠાઈ માર્કેટ સૌથી વધારે બિઝનેસ કરે છે જ્યારે દિવાળીમાં પાંચ દિવસના પર્વમાં લોકોનો મીઠાઈ માટેનો ટેસ્ટ પણ અલગ અલગ હોય છે જેમાં ધનતેરસએ ઘરે બનાવેલી પરંપરાગત લાપસી,પુરણ પુરી ખવાય છે. હવે તો પુરણપોળી ના પણ તૈયાર બુક થવા લાગ્યા છે જ્યારે નવા વર્ષએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા આવતા મહેમાનો માટે કાજુકતરી, બદામકતરી, એકઝોટીકાનો ઉપયોગ વધારે હોય છે.
આ વખતે ડ્રાયફ્રુટ વાળી મીઠાઈ ની વધારે માંગ ઉભી થઈ છે. શિયાળાના પગરવ સાથે સ્વાસ્થ્યવર્ધક સુકામેવા સૌરાષ્ટ્રવાસીઓ ખાય છે. દિવાળીના તહેવારમાં બેઝિક ડિમાન્ડ ડ્રાયફ્રૂટની મીઠાઈની રહી છે તેવું જણાવતા રિધમ ગ્રૂપના દીપેનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વખતે કાજુકત્રીની સાથે ધારી, એકઝોટીકા અને પરંપરાગત એવા મધમધતા મોહનથાળના ઓર્ડરો વધારે આવ્યા છે જ્યારે ફરસાણમાં પણ સંચળસેવ,ચકરી,ચવાણું, મેંદાની ફરસી પૂરી હજુ પણ તેની માંગ યથાવત રહે છે.
ગેટ ટુ ગેધરના પ્રોગ્રામ વચ્ચે એકબીજાના ઘરે જઈ નૂતન વર્ષા અભિનંદન એ પછી સાલ મુબારક કહેવાની પરંપરા હજુ જીવંત છે આથી મહેમાનોને નાસ્તો કરાવવાની પ્રથા પણ વર્ષોથી ચાલી આવી છે તેને લઈને ફરસાણ ના ઓર્ડરો પણ વધારે થયા છે. રાજકોટના પાંચ હજાર કિલો અલગ અલગ પ્રકારની ફરસાણ વેચાશે.
800 રૂ થી લઈ 1500 રૂ.કિલોની મીઠાઈ વેચાય છે
રાજકોટમાં સૂકામેવામાં કાજુ અને બદામની વધારે પડતી મીઠાઈ વેચાય છે.એસ.એસ.સ્વીટના જગદીશભાઈ એ જણાવ્યું હતું કે આ વર્ષે બ્લુ બેરી ફેન્ટા અને અંજીર ડીલાઈટ નવી મીઠાઈ આવી છે. મોટાઓને ભાવે તેવી જ રીતે નાના બાળકોને પણ ચોકલેટ ના ટેટવાળી મીઠાઈ વધારે પસંદ હોય છે આથી તેમના માટે ચોકોલેટ પાત્રા, વેલકમ કેક, ક્રેનબેરી એકઝોટીકા, અંજીર ચોકો ડીલાઈટ દિવાળીમાં ખવાશે.
દિવાળી અને ભાઈબીજમાં લિકવિડ સ્વીટનો વધુ વપરાશ
દિવાળીના તહેવારમાં ડ્રાય મીઠાઈ ની સાથે સાથે લિક્વિડ સ્વીટ નો પણ વપરાશ વધારે હોય છે તેવું જાણતા કલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે દિવાળી અને ભાઈબીજના દિવસે પરિવાર અને સ્નેહીજનોનું જમણવાર હોવાથી રબડી,રસમલાઈ જેવી લિકવિડ સ્વીટના વધુ ઓર્ડરો આવે છે. આ બંને મીઠાઈમાં પણ હવે અનેક પ્રકારની ફ્લેવર ઉપલબ્ધ છે. ઘણા લોકો ખાંડ નો ઉપયોગ ન કરતા હોવાથી તેમના માટે ગોળની મીઠાઈ અથવા તો સુગર ફ્રી મીઠાઈ બનાવાય છે.