અમદાવાદના સેટેલાઈટમાં મેચની ટિકિટ વેચવા આવેલા બે મિત્રોનું કિડનેપિંગ: માર મારીને રૂપિયા પડાવી લીધા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટરસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને સ્ટેડિયમમાં બેસીને જોવાની ક્રિકેટરસિકોને ઘણી ઈચ્છા છે. જોકે, હાલમાં ટિકિટ મળવી ઘણી મુશ્કેલ છે. એવામાં આ તકનો લાભ હવે ગઠિયાઓ ઉઠાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ડુપ્લિકેટ ટિકિટો બનાવી શોર્ટકટથી રૂપિયા કમાવવા ઈચ્છતા ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ હવે મેચની ટિકિટનો સોદો કરવા આવેલા બે યુવકોનું અપહરણ કરીને તેઓને માર મારી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ટિકિટ વેચવા આવેલા બે યુવકોનું અપહરણ
અમદાવાદમાં મેચની ટિકિટનો સોદો કરવો યુવકોને ભારે પડ્યો છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બે મિત્રો ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટનો વહીવટ કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ બંનેનું અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણ કરનાર આરોપીઓએ બંને મિત્રોનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
માર મારી વીડિયો ઉતાર્યો
જેમાં તેઓએ બંને પાસે બોગસ ટિકિટ વેચતા હોવાનું કબૂલાવ્યું હતું. આરોપીઓએ બંને યુવકો પાસે બોગસ ટિકિટ વેચીને 13 લાખની છેતરપિંડી કર્યાનું વીડિયોમાં કબૂલાવ્યું હતું. જે બાદ બંને પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરી 24 હજાર પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આ બાબતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ ટિકિટ વેચનારની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ ચાર યુવકોને ડુપ્લીકેટ ટિકિટો વેચતા પકડી પાડ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં ભારત પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે અને આ મેચને લઈને સૌ કોઈનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, હાલના સમયમાં મેચની ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ ગઇ છે. ત્યારે આ ટિકિટની તકનો લાભ લઈને ગઠીયાઓ ડુપ્લીકેટ ટિકિટો બનાવી સોશિયલ મીડિયા ઉપર ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો હતો. ક્રિકેટરસિક એવા એક વ્યક્તિ દ્વારા ટિકિટ ખરીદ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે તેમણે જે ટિકિટ ખરીદી છે તે ડુપ્લીકેટ છે. આ ફરિયાદને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ ટિકિટ બનાવી અને વેચાણ કરતાં ચાર યુવકોની ધરપકડ કરી હતી.
પોલીસ ચાર શખ્સોની કરી ધરપકડ
બોડકદેવમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. પોલીસને ક્રિષ્ના ઝેરોક્ષમાંથી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની 108 નંગ નકલી ટિકિટો મળી આવી હતી. આ ઉપરાંત ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પાના પણ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોનિટર, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર, પેપર કટર સહિત 1,98,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઝેરોક્ષના માલિક ખુશ મીણાની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર અને જૈમીન પ્રજાપતિની પણ ધરપકડ કરવામાં આવી હતી.