રાજકોટ પોલીસ કમિશનર કચેરી નજીકથી જ છરીની અણીએ થયું’તું અપહરણ : ફઈ-ભત્રીજીના લાપત્તા થવાના બનાવમાં નવો વળાંક
રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા અલ્કાપુરી સોસાયટીમાં રહેતા માખાણી પરિવારની રીમા (ઉ.વ.44) અને સાથે છ વર્ષની ભત્રીજી અનાયા માખાણી છેલ્લા એક સપ્તાહથી લાપત્તા બન્યાની ઘટનામાં ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઈન્દોરથી શોધી કાઢ્યા છે. બન્ને મળી આવ્યા બાદ પણ 24 કલાક સુધી આ ઘૂમરાયેલા પ્રકરણમાં હવે એક નવો ધડાકો કે વળાંક આવ્યો છે. ફૈબા-ભત્રીજી લાપત્તા થયા ન હતા પરંતુ બન્નેનું અજાણ્યા શખસ દ્વારા છરીની અણીએ અપહરણ કરાયું હતું. ઘટના સંદર્ભે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અપહરણકાર શખસ સામે આજે મોડી સાંજે ગુનો નોંધાયો હતો.

અપહરણ થયાની ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત અથવા તો ગુનેગારોને રાજકોટ શહેર પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તે રીતે શહેર પોલીસ કમિશનર કચેરી નજીક રેસકોર્સ રોડ પરથી જ ફૈબા અને ભત્રીજી બન્નેને તેની જ કારમાં આરોપી છરીની અણીએ ઉઠાવી ગયો હતો. એક સપ્તાહ (24 જૂલાઈ)થી ફૈબા અને ભત્રીજી બન્ને ગૂમ થયાના સમાચારો વાયરલ થયા હતા. જે તે સમયે યુવતીના ભાઈ અને બાળકીના પિતા રિયાઝે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગૂમશુદા નોંધ કરાવી હતી જેમાં તેની બહેન રીમા માખાણી પોતાની (રિયાઝની) કાર લઈને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ફોન પણ બંધ આવતો હતો અને સંપર્કવિહોણા બન્યા હતા.

ધનાઢ્ય પરિવારની યુવતી અને બાળકી બન્ને એક સાથે ગૂમ થતાં રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો બન્નેને શોધવા માટે કામે લાગી હતી. સીસીટીવીની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત હાથવગા હથિયાર એવા ટેક્નીકલ સોર્સ મોબાઈલ ફોનની ડિટેઈલ લોકેશન આધારે લાપત્તા બન્નેનું પગેરું મેળવવા માટે પોલીસની ટીમો મથામણ કરી રહી હતી. એ દરમિયાન યુવતી અને બાળકી બન્ને ઈન્દોર હોવાની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ખબર મળી હતી. અહીંથી યુવતીના ભાઈ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાય રોડ ઈન્દોર દોડી ગઈ હતી ત્યાંથી બન્નેને ગત મોડીરાત્રે રાજકોટ લઈ અવાયા હતા.
આ પણ વાંચો : ભાઈ પાસેથી પૈસા પડાવવા બહેન ભત્રીજી સાથે થઇ’તી લાપત્તા ! રાજકોટમાંથી ગુમ થયેલ ફઇ-ભત્રીજીને પોલીસે શોધી કાઢ્યા
ગઈકાલથી આજ સુધી પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના બાબતે મગનું નામ મરી પડાતું ન હતું. તપાસ ચાલું છે, પૂછપરછ ચાલી રહી છે, યુવતી કયા કારણોસર બાળકીને સાથે લઈ ગઈ હતી ? બન્ને પોતાની રીતે ગયા હતા કે અપહરણ છે ? આ બાબતની તપાસ થયા બાદ સાચી વિગતો આપી શકાય તેવી વાતો કર્યે રખાઈ હતી. દરમિયાનમાં આજે સાંજે એવો ફણગો ફૂટ્યો હતો કે બન્નેનું કારમાં અપહરણ થયું હતું અને એ પણ ધિમધમતા એવા અને પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ અધિકારીઓના નિવાસો આવેલા છે તેવા રેસકોર્સ રોડ ઉપરથી છરીની અણીએ ફેબા અને ભત્રીજીને ઉઠાવી જવાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં પરપ્રાંતીયનું ઢીમ ઢાળી દેવાયું : ખુલ્લા પ્લોટમાંથી માથા-કપાળ પર ત્રણ ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો
હજુ સુધી ઉઠાવી જનાર વ્યક્તિ કોણ અને ક્યા કારણોસર બન્નેને ઉઠાવી ગયો તે બાબત પોલીસ સ્પષ્ટ કરી શકી નથી. માત્ર એવું કહેવાયું છે કે યુવતીની પૂછપરછમાં તેનું બાળકી સાથે અપહરણ થયાનું ખુલ્યું છે જે સંદર્ભે હવે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તપાસમાં વધુ કે સત્ય વિગતો બહાર આવશે.
અપહરણ કરાયા બાદ ભૂજ સહિતના સ્થળે લઈ જવાયાનું રટણ
આ અંગે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રિમા માખાણીએ એવી કેફિયત આપી છે કે ૨૪ જૂલાઈએ રાત્રિના સમયે રેસકોર્સ રોડ પર અજાણ્યા માણસ દ્વારા ગળા ઉપર છરી મુકી કારમાં જ બન્નેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ પછી રિમા અને અનાયાને ભૂજ સહિતના સ્થળે ફેરવીને ઈન્દોર લઈ જવાયા હોવા સહિતની વિગતો ફરિયાદમાં લેવામાં આવી છે. જો કે આઠ દિવસ થયા અપહરણકારે ખંડણીની માંગણી ન કરતાં તેણે અપહરણ શા માટે કર્યું હશે તે બાબત પોલીસ ઉજાગર કરી શકી ન્હોતી.
