ભાઈ પાસેથી પૈસા પડાવવા બહેન ભત્રીજી સાથે થઇ’તી લાપત્તા ! રાજકોટમાંથી ગુમ થયેલ ફઇ-ભત્રીજીને પોલીસે શોધી કાઢ્યા
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં ચકચારી બનેલા ફૈબા-ભત્રીજાના ગાયબ થઈ જવાના કિસ્સામાં આખરે પોલીસને સફળતા સાંપડી હતી અને સદ્ભાગ્યે બન્ને હેમખેમ મળી આવતાં રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા સાત દિવસથી આ બન્ને ભેદી રીતે ગાયબ થઈ જતાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી હતી પરંતુ આખરે બન્ને મળી જતા બનાવ પરથી મહદ અંશે પરદો ઉંચકાઈ ગયો હતો અને બહેને જ ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે સગી ભત્રીજીને ઉઠાવી લીધી હોવાની વાત પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવી હોવાનું જાણવા મળે છે.

ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી અલ્કાપુરી સોસાયટીમાંથી અપરિણીત રીમા માખાણી (ઉ.વ.44) અને તેની ભત્રીજી અનાયા માખાણી (ઉ.વ.6) ભેદી રીતે ગાયબ થઈ ગયા હતા. અચાનક જ બહેન અને પુત્રી ગાયબ થઈ જતા રિયાઝ લાખાણી દ્વારા બન્નેની સઘન શોધખોળ પણ આદરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે પોલીસનું શરણું લીધું હતું.
વળી, રીમા માખાણી રિયાઝની હોન્ડા સિટી કાર નં.GJ3ER-3637 લઈને ગઈ હોય તે શહેરમાં જ હોવાનું માન્યું હતું પરંતુ દિવસો પસાર થવા લાગતા બન્ને સાથે કંઈક અજુગતું થયાનું માની પરિવાર પણ હતપ્રભ બની ગયો હતો.
બીજી બાજુ માત્ર ગૂમનોંધના આધારે જ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપરાંત એલસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતના દ્વારા રિમા અને અનાયાની ચારેય બાજુ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સાત દિવસ પસાર થઈ જવા છતા કશી જ ભાળ ન મળતાં માખાણી પરિવાર માટે એક એક ક્ષણ કપરી થઈ પડી હતી. દરમિયાન 31 જૂલાઈ એટલે કે બનાવના સાતમા દિવસે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી અને રીમા તેની ભત્રીજી અનાયાને લઈને ઈન્દોરમાં હોવાનું લોકેશન મળતા જ ક્ષણભરનો વિલંબ કર્યા વગર ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્નેને હસ્તગત કરી લીધા હતા.

એક વાત એવી પણ સામે આવી હતી કે રીમાએ જ તેના ભાઈને ફોન કરીને પોતે અને અનાયા ઈન્દોરમાં હોવાનું કહ્યું હતું પરંતુ પોલીસના અધિકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેક્નીકલ સોર્સિસના આધારે જ ટીમ બન્ને સુધી પહોંચી છે, કોઈએ ફોન કરીને ઈન્દોરમાં હોવાનું જણાવ્યું નથી!
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે બન્નેને ઈન્દોરના પીથમપુર વિસ્તારની એક હોટેલમાંથી શોધી કાઢી હસ્તગત કરાયા બાદ પહેલાં તો રીમાએ ઘુસકે ધ્રુસકે રડવાનું શરૂ કરી દીધું હતું. આ પછી પોલીસે તેને શાંત પાડયા બાદ પ્રારંભિક પૂછપરછ કરતા તેણે ભાઈ પાસેથી પૈસા કઢાવવા માટે જ ભત્રીજીને લઈ ગઈ હોવાનો જવાબ આપતા પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી. રીમાએ પોલીસને જણાવ્યું હતું કે રાજકોટથી અનાયાને કારમાં લઈ ગયા બાદ તે મોરબી પહોંચી હતી અને ત્યાંથી મહેસાણા, રાજસ્થાન, ડુંગરપુર, રતલામ થઈને સીધી ઈન્દોર . પહોંચી ગઈ હતી. આ વેળાએ તેની સાથે અન્ય એક શખસ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે આ શખસ હાથમાં ન આવતા તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ઈન્દોરથી રાજકોટ સુધી પહોંચવા દરમિયાન નાની બાળકી સાથે હોવાથી પોલીસે તેની આગવી ભાષામાં રીમા સાથે વાતચીત કરી ન્હોતી પરંતુ રાજકોટ લાવ્યા બાદ વ્યવસ્થિત પૂછપરછ કરતા સઘળી વિગતો જણાવી દીધી હતી.
પ્રાથમિક મહિલાની વાતમાં તથ્ય કેટલું તેની ઉંડી તપાસ કરશું: ડીસીપી ક્રાઇમ
આ ઘટના અંગે ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રીમા માખાણી અત્યારે અલગ-અલગ સ્ટોરી પોલીસને જણાવી રહી છે ત્યારે તેની આ વાતમાં તથ્ય કેટલું છે તેની ઉંડી તપાસ કરવામાં આવશે. એકંદરે ઉંડાણપૂર્વક તપાસ કરાયા બાદ જ રીમા આ બાળકીને લઈને સાત દિવસ સુધી શા માટે ગાયબ રહી તેના નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
આ પણ વાંચો : રાજકોટ લોકમેળો નહીં રાઈડ મેળો ! 50% પ્લોટ રાઇડ્સ માટે ફાળવાયા, ખાલી રહેલા સ્ટોલ-પ્લોટ RMC અને સેવાભાવી સંસ્થાઓને ફાળવાશે
ઇન્દોરમાંથી કાર ન મળી, તેને શોધવા મથામણ
ક્રાઈમ બ્રાન્ચ જ્યારે ઈન્દોર પહોંચી ત્યારે રીમા પાસે રાજકોટથી લઈ જવાયેલી હોન્ડા સિટી કાર મળી આવી ન હોવાથી તેણે આ કાર આખરે ક્યાં મુકી દીધી તે અંગે પણ પૂછપરછ કરી શોધખોળ શરૂ કરી હતી. રીમા રાજકોટથી ઈન્દોર સુધી કઈ રીતે પહોંચી તે અંગે પણ ગોળ ગોળે વાતો કર્યે રાખી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : વાત 10 થી 15 % ટેરિફની થઇ હતી : રાષ્ટ્રહિતમાં જે યોગ્ય હશે તે મુજબ પગલાં લેવાશે, લોકસભામાં બોલ્યા પીયૂષ ગોયલ
વિદેશ ભાગી જશે તેવી શક્યતા પણ હતી પણ…
બનાવને સાત દિવસ વીતી ગયા હોવાથી રીમા તેની ભત્રીજી અનાયાને લઈને વિદેશ ભાગી જશે તેવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ રીમાનો પાસપોર્ટ રાજકોટમાં જ પડ્યો હોવાનું ધ્યાન પર આવતાં વિદેશ જવાની વાતનો છેદ ઉડી ગયો હતો.
ભાઇ સાથે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા હોવાનું કથન…
પોલીસ પૂછપરછમાં રીમાએ એમ પણ કહ્યું હતું કે તેને ભાઈ સાથે લાંબા સમયથી મિલકત સહિતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો આમ છતાં તે ભાઈ-ભાભી તેમજ ભત્રીજી સાથે રહેતી હતી. જો કે ભત્રીજી અનાયાને ફૈબા સાથે ખૂબ જ ભળતું હોવાથી તેના વિશ્વાસે તે તેની સાથે ગઈ હતી.
