કારી’ગરી ન ફાવી: રાજકોટના નાના મવાનું ગ્રાઉન્ડ મેળવનાર પાસેથી પૂરું ભાડું વસૂલાશે !!
- તંત્રની તિજોરીને (જાણીજોઈને) જઈ રહેલું લાખો રૂપિયાનું નુકસાન
વોઈસ ઓફ ડે'એ અટકાવ્યું
- અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ૩૮૦૦ ચો.મી. કરતાં વધુ જગ્યાના વપરાશનો ચાર્જ ચૂકવવા અરજી કરતાં આજે ટીમ જઈને માપણી કરશે’ને તેના પ્રમાણે ૬.૫૦ રૂપિયા પ્રતિ ચો.મી.દીઠ ચાર્જ વસૂલાશે
- મ્યુનિ.કમિશનરે ડે.મ્યુ.કમિશનર હર્ષદ પટેલને તપાસ સોંપ્યા બાદ ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયાએ શરૂ કરાવ્યું ચેકિંગ
જો તમારા ટોચ કક્ષાના નેતાઓ સુધી છેડા' હોય તો મહાપાલિકા સહિતના સરકારી તંત્ર ઘૂંટણીયે પડી જ જશે તેવો શિરસ્તો ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. તંત્રની તીજોરીને આવું જ એક (જાણીજોઈને) મોટું નુકસાન તંત્રની તીજોરીને પહોંચાડવામાં આવી રહ્યાની કારીગરી
વોઈસ ઓફ ડે’એ પકડી પાડી તેને ઉજાગર કરતાં તંત્રવાહકોમાં દોડધામ થઈ પડી હતી. રાજકોટમાં અર્વાચીન રાસોત્સવ ઠેકઠેકાણે થઈ રહ્યા હોવાથી ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટે પડાપડી થવી સ્વાભાવિક છે. આ બધાની વચ્ચે યુનિટી ફાઉન્ડેશન (હરેશ કાનાણી) દ્વારા પાણીના ભાવે નાનામવા પાસે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપરનું ૧૩૦૦૦ ચોરસ મીટરનું ગ્રાઉન્ડ ભાડે મેળવી લેવાયું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તપાસનો આદેશ આપીને મ્યુ.કમિશનર દ્વારા ગ્રાઉન્ડનું પૂરું ભાડું વસૂલવા આદેશ અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત ગ્રાઉન્ડ હરેશ કાનાણી નામની વ્યક્તિ દ્વારા માત્ર ૨,૨૧,૯૫૮ રૂપિયામાં ભાડે મેળવી લેવાયું હતું. કાનાણી દ્વારા જ્યારે ગ્રાઉન્ડ ભાડે લેવા માટેની અરજી કરવામાં આવી ત્યારે તેમાં ૧૩૦૦૦ ચોરસમીટરમાંથી ૩૮૦૦ ચોરસમીટર જગ્યાનો જ વપરાશ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો હતો પરંતુ વોઈસ ઓફ ડે' દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સતસવીર અહેવાલમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે ગ્રાઉન્ડનો વપરાશ ૩૮૦૦ ચોરસમીટર નહીં બલ્કે પૂરેપૂરો કરવામાં આવી રહ્યો છે. આ
કારીગરી’ સામે આવતાં જ મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને તપાસ સોંપ્યા બાદ તેમણે ગ્રાઉન્ડનો વાસ્તવિક રીતે કેટલો વપરાશ થયો છે તે અંગે ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયા સહિતની ટીમને દોડાવી હતી.
જો કે વોઈસ ઓફ ડે'માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હરેશ કાનાણી દ્વારા ફટાફટ બીજી અરજી કરી દેવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ૩૮૦૦ ચોરસમીટર નહીં બલ્કે ગ્રાઉન્ડની વધુ જગ્યાનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાથી જેટલી જગ્યાનો વધારાનો વપરાશ થયો છે તેની માપણી કરવામાં આવે ! આ અરજી મળ્યા બાદ મહાપાલિકાની ટીમ દ્વારા આજે ગ્રાઉન્ડની મુલાકાત લઈને ૩૮૦૦ ઉપરાંત કેટલી જગ્યાનો વપરાશ થઈ રહ્યો છે તેની માપણી કરાશે અને તે થઈ ગયા બાદ વધારાની જગ્યાનો પ્રતિ ચોરસમીટર ૬.૫૦ રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવનાર હોવાનું ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયાએ
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જો `વોઈસ ઓફ ડે’ દ્વારા આ મુદ્દો પ્રકાશિત જ ન કર્યો હોત તો સંભવત: ૩૮૦૦ ચોરસમીટર જગ્યાનું ૨,૨૧,૯૫૮ રૂપિયા ભાડું ભરીને આખા ગ્રાઉન્ડનો વપરાશ કરી લેવામાં આવ્યો હતો જેના કારણે તંત્રની તીજોરીને લાખો રૂપિયાનું નુકસાન ગયું હોત પરંતુ એવું થવા દેવામાં આવ્યું નથી.
આવતાં વર્ષથી ગ્રાઉન્ડને હરાજીમાં મુકાશે
મહાપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રિ સહિતના તહેવારોમાં વિવિધ ગ્રાઉન્ડ હરાજી મારફતે ભાડે આપવામાં આવે છે. નવરાત્રિની વાત કરવામાં આવે તો આ વર્ષે પાંચ ગ્રાઉન્ડ ભાડે અપાયા છે તે અને તે પેટે મહાપાલિકાને અડધા કરોડથી વધુની આવક થવા પામી છે. જો કે `અમુક’ કારણવશ ઉપરોક્ત ગ્રાઉન્ડને હરાજી થકી ભાડે મુકવામાં આવતું ન હોય તેને લઈને અનેક શંકાઓ પણ ઉભી થઈ રહી હોવાથી મહાપાલિકા દ્વારા આવતાં વર્ષથી ઉપરોક્ત ગ્રાઉન્ડને પણ હરાજી મારફતે જ ભાડે આપવામાં આવનાર હોવાનો નિર્ણય લેવાઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.