કર હર મૈદાન ફતેહ…પહેલીવાર ભારતે ન્યુઝીલેન્ડને વર્લ્ડકપમાં હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને ઘણા ઈતિહાસ બદલાવી નાખ્યા
ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવી ટી-20 વર્લ્ડકપ-2026 પોતાના નામે કર્યો છે. ભારત ત્રીજી વખત ટૂર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું છે. ન્યુઝીલેન્ડને હરાવતાની સાથે જ ભારતે ટી-20 વર્લ્ડકપ સાથે જોડાયેલા ઘણા ઈતિહાસ બદલાવી નાખ્યા હતા. સૂર્યકુમાર યાદવની ભારતીય ટીમે એ દરેક કમાલ કરી જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધી થઈ શકી નહોતી.
ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયને ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી નહોતી, પરંતુ ભારતે આ કમાલ કરી બતાવી છે. ભારત હવે સળંગ 2 ટી-20 વર્લ્ડકપ જીતનારો પહેલો દેશ બન્યો છે.
ભારતે બીજી કમાલ યજમાન ટીમ હોવાના નામે કરી છે. અત્યાર સુધી કોઈ પણ યજમાન ટીમે એક વખત પણ ટી-20 વર્લ્ડકપ જીત્યો નહોતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને ટી-20 વર્લ્ડકપ-2026ના ફાઈનલમાં હરાવી ટ્રોફી પોતાના નામે કરતા આ ઈતિહાસ પણ બદલાઈ ગયો છે.
ટી-20 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત ક્યારેય જીતી શક્યું નહોતું, પરંતુ આ સિલસિલો પણ તોડી નાખ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં બન્ને વચ્ચે ચોથી ટક્કર હતી જેને ભારતે જીતી હતી. આ પહેલાં 2007, 2016 અને 2021માં ન્યુઝીલેન્ડ બાજી મારી ગયું હતું.
આ પણ વાંચો :રિપિટ હિસ્ટ્રી, ડિફીટ હિસ્ટ્રી: ભારત બન્યું ક્રિકેટનું ‘બાદશાહ’, સૂર્યાબ્રિગેડે 150 કરોડ લોકોના દિલ જીતી લીધા, સળંગ બીજો ટી-20 વર્લ્ડકપ ભારતના નામે
ન્યુઝીલેન્ડે આ પહેલાં પોતાની 2 આઈસીસી ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફી (વર્ષ 2000) અને 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારતને હરાવીને પહેલીવાર જીતી હતી, પરંતુ ટી-20 વર્લ્ડકપ-2026ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતે ક્રિકેટના વધુ એક ફોર્મેટમાં ન્યુઝીલેન્ડને હાવી થવા દીધું નહોતું. ન્યુઝીલેન્ડ બીજી વખત ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં હાર્યું છે.
