જામનગર : વિધાર્થીઓ અંદર હતા અને સ્કુલમાં લાગી આગ, શાળા સંચાલકોમાં દોડધામ
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓને સીલ માર્યા બાદ થોડા જ દિવસો પહેલા શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે જામનગરમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને આગ પર કાબુ મેળવતા શાળાના શિક્ષકો અને સંચાલકો સહિતનાઓએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની શાળાઓ સહિતના દરેક એકમો પર ફાયર NOCને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને અનેક સ્કૂલોને સીલ કરવામાં આવી હતી. ત્યારે થોડા જ દિવસો પહેલા શાળાઓના શૈક્ષણિક સત્ર શરુ થયા હતા ત્યારે જામનગરમાં શરૂ સેકસન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. સ્કૂલના પાછળના ભાગમાં સવારે ૯.૪૫ વાગ્યે ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.
મોદી સ્કૂલમાં આગ લાગ્યા બાદ તમામ શાળાના સંચાલકો દ્વારા છાત્રોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.