આજથી રાજકોટના ‘ગુંડા’ઓના મકાન-મિલકતની ‘તપાસ’ શરૂ : ડીજીના આદેશ બાદ ગુનેગારોની માંડ માંડ યાદી તૈયાર કરી શકી પોલીસ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ગુનાખોરી ‘આઉટ ઓફ કંટ્રોલ’ થઈ જતાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે નાછૂટકે આદેશ આપીને રાજ્યની તમામ પોલીસને કહેવું પડ્યું હતું કે ૧૦૦ કલાકની અંદર બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ગુનેગારની યાદી તૈયાર કરીને મોકલાવો ! આ આદેશ છૂટ્યા બાદ હંમેશા ‘લેઈટલતીફ’ની ભૂમિકામાં રહેવા માટે પંકાઈ ગયેલી રાજકોટ પોલીસ માંડ માંડ યાદી તૈયાર કરી શકી હતી. આમ તો સુરત, અમદાવાદ, વડોદરાએ ફટાફટ યાદી તૈયાર કરીને ગૃહ વિભાગને મોકલી પણ આપી હતી પરંતુ રાજકોટમાં અન્ય શહેરો કરતાં વધુ ગુનેગારો રહેતાં હોય તેવી રીતે છેલ્લી ઘડીએ યાદી તૈયાર કરવામાં આવી હતી ! બીજી બાજુ આજથી પોલીસ, મહાપાલિકા અને પીજીવીસીએલ એમ ત્રણેય તંત્ર મળીને ગુનેગારના મકાનની ‘તપાસ’ શરૂ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
પોલીસ કમિશનર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે પોલીસ દ્વારા જે ગુનેગારનું નામ-સરનામું આપે તેનું મકાન કાયદેસર છે કે નહીં અને જો ગેરકાયદેસર હોય તો તેનું ડિમોલિશન કરી નાખવામાં આવે. આ ઉપરાંત પીજીવીસીએલને પણ આ જ પ્રકારે પત્ર લખી જે ગુનેગારનું નામ-સરનામું આપવામાં આવે તેને ત્યાં વીજ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ખરાઈ કરવામાં આવે અને જો ગેરકાયદેસર જણાય તો વીજ કનેક્શન તાત્કાલિક કટ કરવામાં આવે…
પોલીસ સૂત્રો પાસેથી પાંચથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ગુનેગારની યાદી ક્રાઈમ બ્રાન્ચ અને બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ગુનેગારની યાદી જે-તે પોલીસ મથક દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ અંગે મહાપાલિકાના એક ઈજનેરને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેમના ઉપર એક એસીપી તેમજ પોલીસ મથકના પીઆઈનો આ બાબતે ફોન આવ્યો હતો પરંતુ પોલીસ તરફથી મનપાને જે પત્ર લખવામાં આવ્યો છે તે હજુ સુધી ઈજનેરોને મળ્યો ન હોવાથી અમે આ દિશામાં કાર્યવાહી ને કરી શકીએ. જેવો પત્ર મળશે એટલે ટીમ બનાવીને જે-તે સરનામા ઉપર જઈને ખરાઈ કરવામાં આવશે. જો કે ગુનેગારની મકાન કાયદેસર જગ્યામાં હશે તો પછી તંત્ર કશી જ કાર્યવાહી કરી શકાશે નહીં તે પણ વાસ્તવિક્તા છે.