જેલ સ્ટાફે તમામ પ્રકારની તપાસ કર્યા બાદ જ બહેનને અંદર જવા દીધા’તા: ટોકન સ્ટાફને આપવાની જગ્યાએ ભૂલથી સાગઠિયાના હાથમાં આપ્યું અને વિવાદ શરૂ થયો
અગ્નિકાંડને કારણે જેલમાં રહેલા સાગઠિયા ઉપરાંત ઠેબાને રાખડી બાંધવા બહેન આવ્યા, બાકીના માટે કોઈ ન આવ્યું
વોઈસ ઓફ ડે, રાજકોટ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ જેલમાં ધકેલાયેલા મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને રક્ષાબંધન પર્વે જેલમાં તેનાં બહેન રાખડી બાંધવા માટે આવ્યા હતા. આ વેળાએ બહેન દ્વારા સાગઠિયાના હાથમાં એક ચીઠ્ઠી અપાતી હોય તેવું ધ્યાન પર આવતાં જ જેલ સ્ટાફે તે ચીઠ્ઠી લઈ લીધી હતી. આ પછી તેની તપાસ કરતાં તે ચીઠ્ઠી નહીં બલ્કે જેલ પ્રવેશનું ટોકન હોવાનું જેલ સ્ટાફ દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંગે જેલ સ્ટાફના વર્તુળોએ જણાવ્યું કે એમ.ડી.સાગઠિયાના બહેનને જેલમાં એન્ટ્રી કરવાની હોય નિયમ પ્રમાણે તેને ટોકન ઈશ્યુ કરવામાં આવ્યું હતું. આ ટોકનના આધારે જ તેમને અંદર પ્રવેશ અપાયો હતો અને તેઓ અંદર ગયા ત્યારે તેમનું તમામ પ્રકારનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમના પાસે કોઈ જ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી ન્હોતી.
આ પછી તેઓ અંદર ગયા અને સાગઠિયાને રાખડી પણ બાંધી હતી. રાખડી બંધાઈ ગયા બાદ બહાર નીકળતી વખતે ટોકન જેલ સ્ટાફને જમા કરાવવાનું હોય છે પરંતુ તેમના બહેને ભૂલથી એ ટોકન સાગઠિયાના હાથમાં આપી દેતાં સમગ્ર વિવાદ ચગ્યો હતો. આ કોઈ જ પ્રકારની ચિઠ્ઠી ન્હોતી.
વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે અગ્નિકાંડ બાદ જેલમાં રહેલા એમ.ડી.સાગઠિયા ઉપરાંત તત્કાલિન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાને તેમના બહેન રાખડી બાંધ્યા આવ્યા હતા. બાકીના એક પણ આરોપીને કોઈ રાખડી બાંધવા માટે આવ્યું ન્હોતું.