લોકસભાની ચુંટણી માટેના પ્રચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશીલ બનાવીને ગુજરાતનાં બે દિવસના ઝંઝાવાતી પ્રચારમાં વાતાવરણ જોશિલું બનાવી દીધું હતું. ગુરુવારે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આણંદ, સુરેન્દ્રનગર,જૂનાગઢમાં સભાઓ સંબોધીને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ આજે સૌપ્રથમ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પહેલી જનસભા સંબોધી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર ખાતે બીજી સભા સંબોધન કર્યા બાદ પીએમ મોદી સંતો-મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમી જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધવા પહોંચ્યા. અહીં તેમણે જય ગિરનારીના નાદ તેમજ સંતો-વડીલોને પ્રણામ કરીને ચૂંટણી સભાની શરૂઆત કરી હતી.
જૂનાગઢમાં વડાપ્રધાને સભા સંબોધી હતી અને કાળઝાળ ગરમીમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસને હું ચેલેન્ગ આપું છું કે તમે કાશ્મીરમાંથી કલમ 370 પાછી લાવી બતાવો. તમે કઈ નહીં કૃષકો અને સીએએ પણ નહીં હટાવી શકો. મોદી સામે તમે મુકાબલો નહીં કરી શકો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે ‘હું સરદાર પટેલની ભૂમીથી આવું છું, જો સરદાર પટેલ હોત તો દેશનું સંવિધાન પણ જમ્મુ-કાશ્મીરમાં શાનથી લાગુ હતો. પરંતુ જે કામ સરદાર પટેલનું અધુરુ રહી ગયું તે આ ધરતીના પુત્ર અને તમારા સેવકએ પુરુ કર્યું. જો સરદાર પટેલ ન હોય તો આજે જૂનાગઢ પાકિસ્તાનમાં હોત.’
કોંગ્રેસ પર પ્રહાર ચાલુ રાખીને એમણે કહ્યું હતું કે સત્તા મેળવવા માટે કોંગ્રેસ દેશને તબાહ કરવા માંગે છે. તેના સાંસદો દક્ષિણ ભારતને અલગ કરવાની વાતો કરે છે. પહેલા જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે દેશમાં ગમે ત્યારે ધડાકા હતા. સીમા પર ફાયરિંગ થતાં હતા. જવાનો શહીદ થઈ જતાં હતા છતાં દિલ્હીથી કાર્યવાહી કરવાની પરવાનગી મળતી નહતી.
