ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં 70% એટલે કે 59.26 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન
રાજ્યમાં કપાસનું સૌથી વધુ ૨૦ લાખ હેક્ટર તથા બીજા ક્રમે મગફળીનું ૧૭.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર
સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ સોયાબીનનું ૯૯%, મગફળીનું ૯૧%, મકાઈનું ૯૦%, અડદનું ૮૬% અને કપાસનું ૮૪% વાવેતર
તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો ઝુકાવ વધારે; કઠોળ પાકોના વાવેતરમાં પણ ગત વર્ષ કરતાં સુધારો
ગુજરાત રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની કામગીરીએ ઝડપ પકડી છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધીમાં ૫૯.૨૬ લાખ હેક્ટર એટલે કે આશરે ૭૦ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રના બે મુખ્ય સ્તંભ સમાન કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં ૬૩ ટકાથી વધુ યોગદાન રહ્યું છે.
રાજ્યમાં કપાસનું સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું ૧૭.૫૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોનો તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ઝુકાવ વધારે જોવા મળ્યો છે.
ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીનના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યમાં સોયાબીનના સામાન્ય વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૯૯ ટકા એટલે કે ૨.૭૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે. સોયાબીન બાદ સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું ૯૧ ટકા, મકાઈનું ૯૦ ટકા, અડદનું ૮૬ ટકા અને કપાસનું ૮૪ ટકા વાવેતર થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કનો ઐતિહાસિક વિસ્તાર કરાયો
રાજ્યમાં કઠોળ પાકોના વાવેતરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કઠોળ પાકોનું વાવેતર ૨.૫૨ લાખ હેક્ટર હતું, જે ચાલુ વર્ષે વધીને ૨.૮૫ લાખ હેક્ટર થયું છે; જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે ૬૮ ટકા થાય છે. કઠોળ પાકોમાં મુખ્યત્વે તુવેરનું ૧.૯૪ લાખ હેક્ટર (૭૬ ટકા) અને અડદનું ૭૦,૭૭૨ હેક્ટર (૮૬ ટકા) વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત મગનું વાવેતર હાલમાં માત્ર ૧૧,૯૦૦ હેક્ટરમાં (૨૧ ટકા) નોંધાયું છે.
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૮.૩૯ લાખ હેક્ટર (૬૧ ટકા) વાવેતર નોંધાયું છે. જેમાં ૪.૬૩ લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને ૨.૫૪ લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. રોપણી આધારિત પાક હોવાથી આગામી દિવસોમાં ડાંગરના વાવેતરમાં હજુ પણ મોટો વધારો થવાની પૂર્ણ સંભાવના છે. રાજ્યમાં જુવારનું ચાલુ વર્ષે ૧૦,૩૦૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન અડધા કરતાં પણ ઓછું એટલે કે ૪,૩૧૯ હેક્ટર હતું.
આ ઉપરાંત રાજ્યમાં દિવેલા (એરંડા)નું વાવેતર હાલ ૫૨,૬૫૫ હેક્ટર અને તલનું વાવેતર ૭,૫૯૭ હેક્ટર થયું છે. દિવેલા એ મુખ્યત્વે ઓગસ્ટ મહિના દરમિયાન વાવવામાં આવતો પાક હોવાથી આગામી બે અઠવાડિયામાં તેના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થવાની પૂર્ણ સંભાવના છે.
અન્ય પાકોમાં, રાજ્યમાં ચાલુ વર્ષે ઘાસચારાનું ૫.૨૧ લાખ હેક્ટરમાં (સામાન્ય વિસ્તારના ૫૧ ટકા) વાવેતર થયું છે. તદુપરાંત, શાકભાજીનું ૧.૭૧ લાખ હેક્ટરમાં (૬૪ ટકા) અને બાજરાનું ૧.૦૬ લાખ હેક્ટરમાં (૬૦ ટકા) વાવેતર પૂર્ણ થયું છે.
