ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અને નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક
૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ
વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૯ કેસ ગુજરાતના અને ૩ કેસ રાજસ્થાનના દર્દીઓના છે.
આ ઉપરાંત કુલ ૬૩ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૫૫ ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને બાકીના ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું હજુ બાકી છે.
આરોગ્ય મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો: PM મોદીનું મોનસૂન સત્રમાં સંબોધન:, સ્પેસથી હાઇડ્રોજન ટ્રેન સુધી ગણાવી સિદ્ધિઓ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ વિસ્તારમાંથી કેસ નોંધાયા બાદ તે પોકેટમાં સઘન દેખરેખ રાખવી અનિવાર્ય છે. મંત્રીએ વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા માટે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.આ વાયરસના વાહક ગણાતા સેન્ડફ્લાય મચ્છર અને જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટીગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે. તમામ જિલ્લા મથકોની સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી આ વાયરસની સક્રિયતા વધુ જોવા મળતી હોય છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને અસર કરતો હોવાથી, જો કોઈ બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, ખેંચ આવવી, ઉલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો સહેજ પણ સમય બગાડ્યા વિના તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને નાગરિકોને ભયભીત ન થતાં માત્ર સાવચેતી રાખવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
