ચૈતર વસાવાથી કૂતરું તો શું બિલાડુ પણ ડરતું નથી…કોણે આપ્યું આવું નિવેદન ??
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. તમામ પક્ષના ઉમેદવારો પ્રચાર કરીને પ્રજા પાસે મત માંગી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન વિપક્ષ દરમિયાન આકરા પ્રહાર કરતાં હોય છે ત્યારે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હવે કુતરા બિલાડની એન્ટ્રી થઈ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ચૂંટણી પ્રચાર દરમિયાન આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ AAPના ઉમેદવાર પર ભર સભામાં કહ્યું કે, ચૈતર એવો ભ્રમ ફેલાવે છે કે ભાજપ તેનાથી ડરે છે ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી. આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વોટ ન આપવા અપીલ કરી હતી. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ ચૈતર વસાવાને મત ન આપવા કોંગ્રેસને પણ સલાહ આપી હતી અને કહ્યું કે અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે.
ચૈતર વસાવા vs મનસુખ વસાવા
ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આપના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. ભાજપ છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે અને 2024ની ચૂંટણી માટે પણ ભાજપે તેમના પર પસંદગી ઉતારી છે. આ બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના 4.81 લાખ મતદારો છે, મુસ્લિમ સમાજના 1.48 લાખ મતાદારો, તો પટેલ સમાજના 1.86 લાખ મતદારો છે. ભરૂચમાં કુલ 14,17,548 મતદાતાઓ છે. જેમાં 6,82,658 મહિલા, જ્યારે 7,34,862 પુરૂષ મતદાતાઓ છે.