રાજકોટ ઝોનની કમિટી ફી માટેના નિયમનના બદલે નિયંત્રણ કરતી હોવાની સંચાલકોની ફરિયાદ: કમિટીના સંકલન નો અભાવ અને હાઇકોર્ટના ધ્યાનમાં લીધા વિના બે વર્ષથી ફી ઘટાડો કરતાં શાળા સંચાલકોમાં આક્રોશ
FRC ની કામગીરીથી ખાનગી શાળા સંચાલકો નારાજ થયા છે, આ કમિટી નિયમન કરવાના બદલે નિયંત્રણ લાદતી હોય તેવા આક્ષેપ સાથે શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, આ ઉપરાંત કમિટી દ્વારા ફી ના માળખાનું ગણિત કઈ રીતે ગણે છે જેને લઈને ને સૌરાષ્ટ્ર ઝોનની 1700 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના સંચાલકોએ હવે બાંયો ચડાવી છે અને સોમવારે સામુહિક ધોરણે આર.ટી.આઈ.કરશે અને એફ.આર.સી.દ્વારા ફી ની ગણતરી જાણશે.
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, કમિટી દ્વારા ગત વર્ષે ફી માળખામાં ઘટાડો કરવામાં આવ્યો હતો,આ વર્ષે 2024-25 ના જે ઘટાડેલું માળખું હતું તેમાં પણ ફરી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઝોન માંથી 200 જેટલી સ્કૂલો દ્વારા મૂકવામાં આવી હતી. સરકાર દ્વારા પણ ચાલતી યોજના જેમ કે શિક્ષણ રક્ષા, શિક્ષણ શક્તિ યોજનામાં જવા ઇચ્છતા હોય તેમને પણ દર વર્ષે સાત ટકા ફી વધારવાની છૂટ આપી છે ત્યારે કમિટી કઈ રીતે ફી નિયમન કરવાના બદલે નિયંત્રણ લગાડી રહી છે તે જાણવા માટે બધા શાળા સંચાલકોએ સામૂહિક ધોરણે આરટીઆઈ કરવાનો નિર્ણય લીધો છે.
મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફી નિયમન અંગે 2017 માં કાયદો આવ્યો તે અનુસંધાને રાજ્યમાં ચાર જૂનમાં એફઆરસીની રચના થઈ છે આ ચાર કમિટીના સંકલનના અભાવે અને હાઇકોર્ટના વચગાળાના માર્ગદર્શનને ધ્યાનમાં લીધા વગર ફી નિયમનના બદલે ફી નિયંત્રણ કરી રાજકોટ ઝોનની કમિટી ફીમાં ઘટાડો કરે છે. વર્ષ 2024 25 ની ફી પણ ફ્રીઝ કરી છે.
ગત વર્ષે એલ કેજી અને એચ કે જીના રજીસ્ટર માટેનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ થયો હતો જેમાં નવી શાળાની મંજૂરી મુજબ ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવાનું સૂચવ્યું હતું.
જે સંદર્ભે ધોરણ 1 થી 8 કે પછી એક થી 12 સુધીની શાળાની મંજૂરી હોય તેમને બાલવાટિકાનું રજીસ્ટ્રેશન સરળ રીતે થઈ ગયું હતું જ્યારે એલકેજી કે એચ કે જી નું રજીસ્ટ્રેશન જે તે સંસ્થા ધોરણ એક થી આઠ કે ધોરણ 1 થી 12 સુધીની શિક્ષણ કામગીરી કરી રહી છે તેમને બાલવાટિકા મુજબ રજીસ્ટ્રેશન સરળતાથી થઈ શકે તેવી અપીલ કરી હતી.આ ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં ભણતા વિદ્યાર્થીઓનું દર વર્ષે ગુજરાતના અમુક જિલ્લાઓમાં પેમેન્ટ સંકલનના અભાવે મોડું થાય છે તે યોગ્ય કરવા માટે પણ માંગણી કરી છે.