સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો આવતીકાલથી પ્રારંભ : PM મોદી રાજકોટના 5 દર્દીઓ સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75મા જન્મ દિવસ નિમિતે તા. 17 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશ ધારથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. જેમાં રાજકોટ રેસકોર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પાંચ દર્દીઓ સાથે સંવાદ કરશે. રાજ્યમાં કુલ જેમાં 1.41 લાખ કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. આરોગ્ય સેવા માટે 10,849 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનીંગ કેમ્પ દ્વારા નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ અપાશે. જે સંદર્ભે સોમવારે તમામ જિલ્લા કલેકટર,જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક પણ યોજવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે તા. 17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયુ ઉજવવા નક્કી કરાયું છે જે અંતર્ગત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. જેમાં રાજકોટ ખાતે પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીની ઉપસ્થિતિમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી રાજકોટના પાંચ દર્દીઓ સાથે વર્ચ્યુલી સંવાદ કરી આરોગ્ય વિષયક સેવા અંગે પ્રતિભાવ મેળવશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા 14 જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ માત્ર રોગ થયા પછીની સારવાર સુધી મર્યાદિત ન રહેતાં રોગ થતો અટકાવવા, આરોગ્ય સુધારવા અને રોગની સારવાર માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
કઇ કઇ સેવાઓનો લાભ મળશે ?
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બે્રસ્ટ કેન્સરનું સ્ક્રીિંનગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીિંનગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે. વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કુલ 1,41,037 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 1,00,854, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20,007, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5,590, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 9,971 અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 4,615 જેટલા કેમ્પનો સમાવેશ થાય છે. આમ રાજ્યમાં 10,849 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.
કયા ટેસ્ટ નિઃશુલ્ક કરાશે ?
આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીિંનગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI, સી.ટી. સ્કેન વગેરે નિઃશુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં 600 જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
