ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસ માટે મળશે : આ 5 નવા ખરડા રજૂ થશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા. 8ને સોમવારથી ત્રણ દિવસ માટે મળવાનું છે. આમ તો ગૃહની કાર્યવાહી બે દિવસ માટે એટલે કે તા. 9 અને 10 દરમિયાન થશે કારણ કે સત્રના પ્રારંભે આખો દિવસ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. કામકાજના બે દિવસ દરમિયાન પાંચ ખરડા રજુ કરવામાં આવશે.
સત્ર દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતિય સુધારા) વિધેયક, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક,રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :સોનામાં ટેરિફ ઇફેક્ટ, ઓલટાઇમ હાઇ : રૂપિયા 1.10 લાખ નજીક! રોકાણકારોને સારું વળતર મળ્યું
આ અંગે વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ‘રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક,રજૂ કરવામાં આવશે.’
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.
રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, 2021 લાગુ કર્યો છે. રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ’ રજૂ કરવામાં આવશે.
