ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શનમાં : PMJAY યોજનાના અમલ અંગે આજે નવી SOP થશે જાહેર
અમદાવાદના ખ્યાતી હોસ્પિટલકાંડ પછી પી.એમ.જય યોજનાની અમલવારીમાં રાજ્ય સરકાર કડક બની છે અને દરેક હોસ્પિટલ માટે SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરી છે અને તેની બુધવારે કેબિનેટની બેઠક બાદ જાહેરાત થશે. સરકારી સુત્રો અનુસાર, PMJAY યોજના હેઠળ કાર્ડિયોલોજી તથા અન્ય મહત્વના તબીબી ક્ષેત્રે કડક નિયંત્રણ લાવવાનું નક્કી થયું છે.
PMJAY યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે, પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્વારા આ યોજનાનો ગેરવપરાશ થતો હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં જરૂરી ન હોય તેટલી એન્જીઓપ્લાસ્ટી કરાવવાનો ખુલાસો થયો હતો, જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુરૂપયોગ થયો હતો.
આ સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા પહેલાં નિષ્ણાતોની સમિતિ દ્વારા પ્રમાણપત્ર જરૂરી રહેશે.આર્થિક ગેરવહીવટ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી તમામ દસ્તાવેજોની ત્વરિત ચકાસણી થશે.એવા દવાખાનાઓ પર લગામ કસાશે, જે PMJAY હેઠળ નિયમોની અવહેલના કરે છે.