દેશ અને પાકમાં ક્યાં ધરતી ધ્રુજી ? જુઓ
ગુરુવારે દિલ્હી – એનસીઆર , હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ મોટી નુકસાની પણ થઈ નથી.
પાકિસ્તાનના અનેક શહેરોમાં પણ ધરતી ધ્રુજી હતી અને લોકો ભયભીત થઈ ગયા હતા. પેશાવર, ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં ઝટકા આવ્યા હતા. ભારતમાં દીલ્હી ઉપરાંત યુપીના મેરઠ, ચંડીગઢ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં ધરતી હલી હતી.
આ સિવાય જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારના દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અહીં પણ કોઈ નુકસાની થઈ નહતી. લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લોકોને આવી સ્થિતિમાં શું કરવું તેની જાણકારી અપાઈ હતી. જે મુજબ ભૂકંપ દરમિયાન ડરો નહીં, શાંત રહો. ટેબલ નીચે જાઓ અને એક હાથથી પોતાના માથાને ઢાંકો. બહાર આવ્યા બાદ બિલ્ડિંગ્સ, વૃક્ષોથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. ગાડીની અંદર છો તો તેને રોકીને આંચકા અટકે ત્યાં સુધી અંદર જ રહો.