મહાકુંભ જનારા ભક્તો માટે સારા સમાચાર : હવે મહાકુંભ માટે રાજકોટ, વડોદરા અને સુરતથી પણ દોડશે બસ, જાણો ટિકિટના ભાવ
સવારે પાંચ વાગ્યે બસ સ્ટેન્ડથી ઉપડશે, ભાડું રૂા.૮૮૦૦: રાત્રે ૮ વાગ્યે મધ્યપ્રદેશ અને ત્યાં રાત્રિરોકાણ કર્યા બાદ બીજા દિવસે સાંજે ૭ વાગ્યે પ્રયાગરાજ પહોંચાડશે
અમદાવાદથી વધુ એક, સુરતથી બે અને વડોદરાથી પણ એક બસ મળશે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાંથી પ્રયાગરાજ (મહાકુંભ) જવા માટે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો બસ મારફતે મુસાફરી કરી રહ્યા છે. જો કે ગુજરાતથી પ્રયાગરાજ સુધીની લગભગ તમામ બસ હાઉસફૂલ જતી હોવાને કારણે ઘણી અગવડ પડી રહી હોવાને કારણે એસ.ટી. વિભાગ દ્વારા રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી વધારાની એક-એક તો સુરતથી વધુ બે બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટથી ઉપડનારી વધારાની બસ પર એક નજર કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યે રાજકોટ બસ પોર્ટથી બસ ઉપડશે જે રાત્રે ૮ વાગ્યે મધ્યપ્રદેશના બારણ પહોંચાડશે. રાત્રિરોકાણ બારણમાં કર્યા બાદ સવારે ૬ વાગ્યે બારણથી ઉપડીને સાંજે ૭ વાગ્યે પ્રયાગરાજ પહોંચાડશે. જ્યારે ત્રીજા દિવસે બપોરે ૧ વાગ્યે પ્રયાગરાજથી ઉપડીને રાત્રે ૩ વાગ્યે મધ્યપ્રદેશના બારણ પહોંચાડશે. અહીં રાત્રિરોકાણ કર્યા બાદ બપોરે ૧૨ વાગ્યે ઉપડીને રાત્રે ૨ વાગ્યે રાજકોટ પહોંચાડશે. આ માટેનું ભાડું ૮૮૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના બારણ ખાતે રોકાવાની વ્યવસ્થા વિભાગ દ્વારા જ્યારે પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા મુસાફરે પોતાની રીતે કરવાની રહેશે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી ઉપડનારી બસનું ભાડું ૭૮૦૦, સુરતથી ઉપડનારી બસનું ભાડું ૮૩૦૦ અને વડોદરાથી ઉપડનારી બસનું ભાડું ૮૨૦૦ રૂપિયા રહેશે. આ બસનું બુકિંગ વેબસાઈટ gsrtc.in ઉપરથી કરી શકાશે.