સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રના રીએકટર કેબલ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ : 9.79 લાખનો મુદ્દામાલ જપ્ત
સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં સામખીયાળી સુધી બેલેરીમાં જઈને વિજતંત્રના કિંમતી રીએક્ટર, કેબલ વાયરોની ચોરી કરતી ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર પંથકના પાંચ શખસોની ગેંગને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લીધી છે. આરોપીઓ પાસેથી 9,79,510ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસ સમક્ષ ગેંગે 16 જગ્યાએ ચોરી કર્યાની કેફિયત આપી છે. રાજકોટ જિલ્લાના જેતપુરના ભોજાધાર પરથી તેમજ લીલાખા ગામે 66 કેવી સબ સ્ટેશન પરથી કિંમતી રીએક્ટરની ચોરી થઈ હતી.
વાહનોમાં રીએક્ટર ચોરી જતી ગેંગને ઝડપવા રાજકોટ રૂરલ એલસીબી સક્રિય બની હતી. એ દરમિયાન માહિતીના આધારે સુલતાનપુરના લીલાખા નજીકથી પીઆઈ વી.વી. ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી. ગોહિલ અને ટીમે પાંચ શખસોની તસ્કર ટોળકી મોરબીના જૂના પીપળી રોડ પર ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા સામુ મનોજભાઈ આમેણિયા (ઉ.વ.22), લીલાપર રોડ પર આવાસ ક્વાર્ટર બી/9માં રહેતા ટંકારાના વતની વનરાજ દેવરાજ કુંઢિયા (ઉ.વ.19), નિલકમલ સોસાયટી પાસે રહેતા આકાશ સુરેશ વિકાણી (ઉ.વ.23) તથા ધ્રાંગધ્રાના કંકાવટી ગામના હાલ મોરબીમાં વીસીપરામાં રહેતા કારિયો ઉર્ફે અશોક નરશી વિરૂ ગામીયા (ઉ.વ.35) અને ધ્રાંગધ્રામાં જોગાસર રોડ પર કબ્રસ્તાન પાસે રહેતા કૈલાશ ચતુર કુંઢિયા (ઉ.વ.19)ને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી 1,48,410નો 247 કિલો કોપર વાયર અન્ય સાધનો, ત્રણ વાહન મળી 9.79 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના મુળીના સડલા, મોરબીના ચરાડવા, ઢુવા, સામખીયાળી, વાંકાનેર પાસેથી થાન રોડ પર, લખતર નજીક, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, અંજાર, નજીક રીએક્ટર તથા કેબલ વાયરોની ચોરી કર્યાની કબુલાત આપી હતી.