ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ ગમે ત્યારે થશે : સુરેન્દ્રનગર SPના માર્ગદર્શન હેઠળ સીટની ટીમને સાથે રાખી કાર્યવાહી
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબમાં હાજર થયા છે. ગમે ત્યારે ટેસ્ટ સંબંધી પ્રોસિઝર ચાલુ થશે અને ત્રણેક દિવસના સમય દરમિયાન ટેસ્ટની કાર્યવાહી થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે.
ગોંડલના યુવક રાજકુમાર જાટના ગત માર્ચ માસમાં થયેલા મૃત્યુ સંદર્ભે ગણેશ જાડેજા પર આક્ષેપો થયા હતા. સમગ્ર કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા એસ.પી. કક્ષાના અધિકારીના વડપણ હેઠળ સીટની રચના કરવા સૂચના અપાઈ હતી. સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને સીટની રચના સાથે તપાસ સોંપાઈ છે. એસ.પી. ડેલુ અને તેની ટીમ દ્વારા ગણેશ જાડેજા સહિતનાઓની પૂછતાછ તપાસ અને નિવેદનો નોંધ્યા હતા. એસ.પી. ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટ માટેની માગણી કરાતા ગણેશ જાડેજા દ્વારા તૈયારી દર્શાવાઈ હતી. કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ માટે ગણેશ જાડેજાએ સહમતિ આપતા કોર્ટે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી છે. જે આધારે ગણેશ જાડેજા નાર્કો ટેસ્ટ સંબંધી તૈયારી માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં મેડિકલ ચેકઅપથી લઈ અન્ય પ્રોસિઝર ફોરેન્સિક લેબ ખાતે શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો :રાજકોટમાં ઇન્ડિગોએ 400 પેસેન્જર્સને ‘રિફંડ’ આપ્યું, 14 બેગ ઘરે પહોંચાડી: DGCAના નવા નિયમનો અમલ ફેબ્રુઆરીથી શરૂ થશે
સૂત્રોના જણાવ્યા મુજબ ટેસ્ટ માટે બે-ત્રણ દિવસ સુધી પ્રોસિઝર ચાલતી હોય છે. નાર્કો ટેસ્ટમાં કેમિકલ સાથે ઈન્જેક્શન આપીને પોલીસ તથા ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા કેસ સંબંધી સવાલો પૂછવામાં આવે છે. આ ટેસ્ટમાં જે તે વ્યક્તિની વિચાર શક્તિ મંદ થઈ જતી હોવાથી જે પ્રશ્નો પૂછવામાં આવે તે સાચા જવાબ આપતા હોવાનું માનવામાં આવે છે. ટેસ્ટ ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સાથે કરવામાં આવે છે.
