- જમીન પર પેટીસનો જથ્થો પાથરી દેવાયો’તો: શ્રાવણ શરૂ થતાં જ ભેળસેળયુક્ત પેટીસ ધાબડવાનું શરૂ થાય તે પહેલાં જ મનપાના દરોડા
વોઈસ ઓફ ડે, રાજકોટ
પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે અને ભાવિકો ભગવાન શિવની આરાધનામાં મગ્ન થઈ ગયા છે. બીજી બાજુ શ્રાવણ માસમાં ફરાળ સ્વરૂપે પેટીસ આરોગવાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવતું હોય આ મહિનામાં પેટીસના વેચાણમાં જબદરસ્ત ઉછાળો આવતો હોય છે. આ તકનો લાભ લઈ અનેક નફાખોર ધંધાર્થીઓ ભેળસેળયુક્ત પેટીસ ધાબડી ભાવિકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડતા જ હોય છે સાથે સાથે આ પ્રકારની વાનગી ખાવાને કારણે લોકો બીમાર પડ્યા વગર રહેતા નથી. આવું જ એક કારસ્તાન ગુણાતીતનગરમાં આવેલા જલારામ નમકીનમાં ચાલતું હોવાનું ધ્યાન પર આવતાં મનપાની ફૂડ શાખાએ દરોડો પાડી ૧૪૦ કિલો વાસી પેટીસના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ તેમજ વ્રતના તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી ૧૮ પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી તુલસી બાગ સામે, ગુણાતીતનગર મેઈન રોડ પર આવેલા જલારામ નમકીનમાં તપાસ કરતાં ત્યાં જમીન ઉપર જ પેટીસનો જથ્થો પાથરી દેવાયો હોવાનું ધ્યાન પર આવ્યુંહતું. આ ઉપરાંત પેટીસની ગુણવત્તાની ચકાસણી કરાતાં તે વાસી હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી ૧૪૦ કિલો જેટલા જથ્થાનો નાશ કરી પેઢીને ચોખ્ખાઈ જાળવવા નોટિસ ફટકારાઈ હતી સાથે સાથે પેટીસનું નમૂનો લેવામાં આવ્યો હતો.