રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરીના મોટા સમપર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજકોટ પરીક્ષા આપવા જઈ રહેલા પાંચ એન્જિનિયિંરગના વિદ્યાર્થીઓની કારને બેફામ ગતિએ આવતા આઈશર ટેન્કરે પાછળથી જોરદાર ટક્કર મારતાં વિદ્યાર્થીઓની કાર આગળ જતી બીજી કારમાં ઘૂસી ગઈ હતી.આ ઘટનામાં વડોદરાના વતની અને હાલ જામનગરમાં નોકરી કરતા 25 વર્ષીય યુવક પ્રફુલ જાનીનું મોત નીપજ્યું છે, જ્યારે તેના અન્ય મિત્રો ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગેની વિગતો મુજબ, મૂળ વડોદરા રહેતો અને હાલ જામનગર રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતો ભાવિક હસમુખભાઈ પ્રજાપતિએ પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંગળવારે તે પોતાના ચાર મિત્રો ધવલ કટારીયા, પાર્થ ઠક્કર, રાહુલ ઠાકોર અને પ્રફુલ જાની સાથે જામનગરથી પોતાની અલ્ટ્રોઝ કાર (GJ-06-PF-2982) લઈને રાજકોટ સંજય રાજ્યગુરૂ એન્જિનિયિંરગ કોલેજમાં પરીક્ષા આપવા નીકળ્યા હતા.
સવારે અંદાજે 8:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પડધરી નજીક મોટા સમપર ગામ પાસે પહોંચ્યા, ત્યારે આગળ જતી એક અલ્ટો કારને કારણે ભાવિકે પોતાની કાર ધીમી પાડી હતી. આ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઈશર ટેન્કર (GJ-12-BX-7087)ના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અલ્ટ્રોઝ કાર આગળ જતી અલ્ટોમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર પ્રફુલ જાનીને માથાના ભાગે ગંભીર હેમરેજ થતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
અન્ય એક મિત્ર ધવલને નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો
બીજી બાજુ આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી જાનિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
