રાજકોટમાં મિત્રએ જ મિત્ર સાથે કર્યો દગો! કાર વેચાવી, પૂરા પૈસા પણ ન આપ્યા અને વ્યાજના ચક્કરમાં પણ ફસાવ્યો
રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં એક વિચિત્ર ફરિયાદ નોંધાઈ છે જેમાં એક મિત્રએ જ મિત્ર સાથે દગો કરી કાર વેચાવી નાખ્યા બાદ પૂરા પૈસા ન આપ્યા ઉપર જતાં વ્યાજના ચક્કરમાં પણ ફસાવતા બે લોકો સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે પિન્ટુ દામજીભાઈ ડોબરિયા નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની પાસે હ્યુન્ડાઈ કંપનીની વર્ના કાર હતી પરંતુ પૈસાની જરૂર પડતાં તે વેચવા કાઢી હતી. આ પછી મિત્ર મનદીપ વેકરિયાના કહેવાથી જયદીપ ભરતભાઈ ખવડ (રહે.ગરભાંડી-સાયલા)ને 12 લાખમાં વેચવાનું નક્કી થયું હતું. જયદીપે ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે નવ લાખ ત્રણ મહિનામાં ચૂકવી દેશે તેવું લખાણ કર્યું હતું. ત્યારબાદ જસદણ ગાડી આપીને પરત રાજકોટ આવ્યો ત્યારે મનદીપ વેકરિયાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા.
ત્યારપછી કાર ખરીદનાર જયદીનભાઈને મનદીપના ફોનમાંથી ફોન કરી બાકીના પૈસાનું પૂછતાં તેણે પૈસાની સગવડ થાય તેમ ન હોવાનું કહી સોદો કેન્સલ કરી નાખ્યો હતો. જયદીપે કહ્યું હતું તેણે ત્રણ લાખ ચે આપ્યા હતા તે રકમ ઉપરાંત ત્રણ મહિનાના 7% વ્યાજ લેખે પૈસા આપીને ગાડી પરત લઈ જાવ. પીન્ટુએ બે મહિનાનું વ્યાજ આપવા તૈયારી દર્શાવી હતી. જો કે મનદીપે પિન્ટુને ત્રણ લાખની જગ્યાએ દોઢ લાખ જ આપ્યા છતાં જયદીપ ત્રણ લાખની માંગણી કરી રહ્યો હોય આ અંગે મનદીપને પૂછતાં તેણે કહ્યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી દોઢ લાખ રાખી લીધા હતા.
મિત્ર તરીકે વિશ્વાસ રાખી પિન્ટુએ મનદીપને 3.42 લાખ જેમાં બે મહિનાનું 7% વ્યાજ પણ આવી ગયું તે જયદીપને ચૂકવી દેવા માટે આપ્યા હતા. આ પછી જયદીપ પાસે ગાડી લેવા જવા માટે મનદીપ પાસે પૈસા ન હોવાથી પિન્ટુએ દસ હજાર તેને આપ્યા હતા. ત્રણ દિવસ સુધી કાર પરત ન આવતા મનદીપને ફોન કર્યો હતો પરંતુ તે બંધ આવી રહ્યો હતો. થોડા દિવસ બાદ જયદીપને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેને 3.42 લાખ રૂપિયા મળ્યા જ નથી. એકંદરે મનદીપ અને જયદીપે પિન્ટુને વિશ્વાસમાં લઈ કાર ખરીદી તેનો સોદો કર્યો હતો અને ત્યારબાદ વ્યાજ સહિત 2.02 લાખ રૂપિયા વધારાના મેળવી છેતરપિંડી આચરી હતી.
