અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
અમદાવાદની વિમાન દુર્ઘટના જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 200થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી પોતાના પરિવારને મળવા માટે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જઇ રહ્યા હતા ત્યારે આ દુ:ખદ ઘટના ઘટી છે. પૂર્વ સીએમના મૃત્યુની પુષ્ટિ સી.આર પાટિલ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીના નિધનથી પરિવારજનો તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં શોકની લાગણી છવાઈ છે. વિજયભાઈના પત્ની અંજલિ બેન રૂપાણી લંડનથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. આવતીકાલે બપોરે 1-2 વાગ્યે અમદાવાદ પહોંચી શકે છે ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ પણ તેમની સાથે છે.
વિજય રૂપાણીના નિધનથી ભાજપ પરિવારને મોટી ખોટ: સી. આર પાટીલ
પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હોવાની વાતની પુષ્ટિ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે. વધુમાં સી. આર. પાટિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિજય રૂપાણીના નિધનથી ભાજપ પરિવારને મોટી ખોટ પડી છે. વિજય રૂપાણી સહિત તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પાટીલે પ્રાર્થના કરી હતી.
વિમાનમાં ભારતના 169, બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાનો 1 નાગરિક હતા
દુર્ઘટનાનો ભોગ બનેલા વિમાનમાં ભારતના કમનસીબ 169 નાગરિકો હતા. તેમજ બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાના 1 નાગરિક હતા. બ્રિટનના વડાપ્રધાને પણ આ અકસ્માત અંગે ઊંડા દુખની લાગણી વ્યક્તિ કરી હતી અને કહ્યું હતું કે અમારા ઘણા નાગરિકોના મૃત્યુ થયા છે. ઘટનાથી ભારે દુખ થયું છે. ભારત ખાતેના બ્રિટિશ દૂતાવાસ દ્વારાઆ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ હતી.

અત્યાર સુધીમાં 204 મૃતદેહ મળી આવ્યા
ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન AI-171 ના ક્રેશ બાદ, આ ઘટનામાં હવે 204 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. એર ઇન્ડિયાના અકસ્માત અંગે માહિતી આપતા અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 204 મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 41 ઘાયલોની સારવાર ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે તે વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. હવે ઘાયલ મુસાફરોની ઓળખ માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુસાફરોના સંબંધીઓના DNA નમૂના લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. DNA નમૂનાઓ મૃતદેહોની ઓળખ કરવામાં મદદ કરશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્રે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના સંબંધીઓ પાસેથી તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે DNA નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે પીડિતોની ઓળખ માટે બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવનમાં આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.