અગ્નિકાંડમાં તપાસ માટે નવી કમિટી રચો, હપ્તાખોરી બંધ કરાવો અને મોટા માથાને પકડો
TRP ગેઈમ ઝોનનાં પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને કરી રજૂઆત
છ માસમાં કેસ પૂરો થાય તેવી વ્યવસ્થા કરો અન્યથા રાજકોટથી મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પદયાત્રા યોજશુ
નવા કાયદા હેઠળ મૃત્યુદંડ સુધીની સજા કરવા માંગણી
રાજકોટના અગ્નિકાંડનાં પીડિત પરિવારો આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને પોતાની વ્યથા વર્ણવી હતી. આ પરિવારોએ જુદી જુદી એક ડઝન જેટલી માંગણીઓ દર્શાવતું આવેદન પત્ર પણ સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં આ સમગ્ર કેસની તપાસ સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં કરાવવા, મોટા માથાને નહી છોડવા, સરકારી તંત્રમાં હપ્તાખોરી બંધ કરાવવા ઉપરાંત છ માસમાં કેસ પૂરો થાય તેવી વ્યવસ્થા કરવા અને જવાબદારોને નવા કાયદા હેઠળ મૃત્યુદંડ થાય તેવી જોગવાઈ કરવા માંગણી કરી હતી. આ પરિવારોએ મીડીયાને કહ્યું હતું કે, જો અમારી માંગણી ઉપર છ માસમાં કોઈ નિર્ણય નહી આવે તો અમે રાજકોટથી ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પદયાત્રા યોજીને ન્યાય માંગશુ.
આજે અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સામે પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા વિનંતી કરી હતી.
પીડિત પરિવારના સભ્ય તુષાર ઘોરેચાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ, એક ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ તથા હાઈકોર્ટના ચાલુ જસ્ટીસ અને સિવિલ જજની કમિટી બનાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીને મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીડિત પરિવારના સભ્ય અનિરુદ્ધસિંહે કહ્યું હતું કે, નવી સીટની રચના થાય અને તેમાં અધિકારીઓ સુધા પાંડે, નિર્લિપ્ત રાય અને સુજાતા મજુમદારમાંથી કોઈ પણ બે અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે, ભાજપ હોય કે કોંગ્રેસ, ચાલુ હોદેદાર હોય કે પૂર્વ હોદેદાર હોય જેનું પણ નામ આવે તેની સામે ગુનો નોંધાય, આવા જોખમી ગેઈમ ઝોનને એન.ઓ.સી. આપનારાની ધરપકડ થાય, હપ્તાખોરી બંધ થાય, છ માસમાં આ સમગ્ર મામલાનો નિકાલ થાય અને સંપૂર્ણ તપાસ સી.બી.આઈ.ના પ્રમાણિક અધિકારી દ્વારા થાય તેવી માંગણી કરવામાં આવી છે.