રાજકોટ રેલવે માટે જુનુ એટલુ સોનુ નહી, જુનુ એટલે ખંઢેર! આ ઈમારતની મરમ્મત-સફાઈ થઇ જાય તો જોવાલાયક સ્થળ બની શકે છે
રાજકોટ રેલવે તંત્ર વિકાસના ઘણા કામો કરે છે. સ્ટેશનની મરમ્મત, સ્વચ્છતા ઉપરાંત ભક્તિનગર રેલવે સ્ટેશનને પણ નમૂનેદાર બનાવી નાખ્યુ છે પણ આ તસવીરમાં દેખાય છે એ એક સમયની ભવ્ય ઈમારત તરફ ક્યારેય કેમ ધ્યાન જતુ નથી તેવો સવાલ ઘણા પ્રબુદ્ધ નાગરિકોના મનમાં ઉઠી રહ્યો છે. ઘણા શહેરો એવા છે કે પોતાની વિરાસત સાચવીને બેઠા છે અને તેની જાળવણી પણ સુંદર રીતે કરી રહ્યા છે. રાજકોટમાં તેનાથી ઉલટુ છે.અહી વિરાસત લાપરવાહીનો ભોગ બનેલી છે. આ તસવીરો એક સમયે ટ્રેન અને ટ્રામની અવરજવરથી ધમધમતા અને લાખાજીરાજ રેલવે સ્ટેશન તરીકે ઓળખાતી ઈમારતની છે. આ તસવીરો જ કહી જાય છે કે તેનો ભૂતકાળ કેટલો ભવ્ય હશે…

અફસોસ એ વાતનો છે કે આ ઈમારત ઘણા લાંબા સમયથી તંત્રની લાપરવાહીનો ભોગ બનેલી છે. ઈતિહાસ કહે છે કે માળીયા દરબાર અને રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુ ખાસ મિત્રો હતા ત્યારે રાજકોટમાં સૌ પહેલી ટ્રામ શરૂ થયેલી. બાપુના વખતમાં બેડી ગામથી ટ્રામમાં બેલા ભરાઈને આવતા. રાજકોટમાં બેડીગામ સુધી ટ્રામ સેવા ચાલુ હતી. હાલ જૂની ખડપીઠ છે. ત્યાં ટ્રામનું એક સ્ટેશન પણ હતું. ટ્રામ શરૂ થઈ એ અરસામાં ગુજરી બજાર સુધી એક મોટુ તળાવ હતું જે પછીથી બુરાઈ ગયુ હતું.

ટ્રામ જૂની ખડપીઠ કે જયા અત્યારે બ્રાહ્મણની વાડી છે ત્યાં સ્ટેશનથી શરૂ કરી ગુજરી બજાર પહોંચતી ત્યાથી કોઠારીયા નાકા પાસે થઈ રામનાથપરા થઈ રામનાથપરા જેલ પાસે પહોંચતી પછી આજી નદીના બેઠા પુલ પરથી પસાર થઈ સામે કાંઠે જતી જયા ટ્રામનો એક સ્ટોપ હતો એ પછી હાલ જયાં ડિલકસ સિનેમા ચોક છે તેની નજીક ટ્રામનું મોટુ મથક સ્ટેશન હતું. આ સ્ટેશન એટલે મોરબી રોડ ઉપરનું અને લાતી પ્લોટની સામે આવેલુ લાખાજીરાજ રેલવે સ્ટેશન.આ સ્ટેશન ઉપર ટ્રામમાં બે ડબ્બા જોડાતા. એ જ ટ્રામ એ જ રૂટ પર પાછી ફરતી. એ સમયે ટ્રામમાં મુસાફરી કરવાના એક આનો કે બે આના ટીકીટ લેવામાં આવતી. જાણીને પણ રોમાંચ થાય એવી આ વિરાસત આજે પડુ પડુ થવાના વાંકે ઉભી છે.
આ પણ વાંચો :ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન મુલતવી રહ્યા બાદ પલાશ મુછલ પ્રેમાનંદજી મહારાજના શરણે, વિડીયો થયો વાયરલ

આવનારી તો ઠીક, અત્યારની પેઢીના પણ લાખ્ખો લોકોને આ ભવ્ય ભૂતકાળ ધ્યાનમાં નહી હોય..રાજકોટ રેલવે તંત્ર ચોક્કસ બજેટ ફાળવીને આ ઈમારતની મરમ્મત ચોક્કસ કરાવી શકે છે. મરમ્મત થાય ત્યાં સુધી એટલીસ્ટ સફાઈ પણ કરાવી શકે તેમ છે. આ ઈમારતની ભવ્યતા એટલી છે કે જો યોગ્ય જાળવણી થાય તો રાજકોટવાસીઓ અને બહારના લોકો જોવા માટે મોટી સંખ્યામાં આવી શકે છે. અત્યારે તો આવારા લોકોએ આ ઈમારતને પોતાનો અડ્ડો બનાવી નાખ્યો છે. રેલવેના કોઈ પણ અધિકારી અહી વિઝીટ કરશે તો તેમને દેશી દારૂની કોથળીઓ અને અન્ય વસ્તુઓ ચોક્કસ મળી આવશે.
