IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયાના નામે વધુ એક રેકોર્ડ : રોહિત-યશસ્વીની તોફાની બેટિંગ દ્વારા ટીમની ફાસ્ટેસ્ટ સદી
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે પ્રથમ દાવમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને યુવા યશસ્વી જયસ્વાલે ધુંઆધાર બેટિંગ કરી અને ટીમને માત્ર 18 બોલમાં 50 રન સુધી પહોંચાડી દીધી. ટેસ્ટમાં કોઈપણ ટીમની આ સૌથી ઝડપી અડધી સદી હતી. ભારતે બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશને પ્રથમ દાવમાં 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોમિનુલ હક 107 રને અણનમ રહ્યો, જ્યારે બાંગ્લાદેશી ઇનિંગ્સ 74.2 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ. લંચ બાદ છ વિકેટે 205 રન પર રમતા બાંગ્લાદેશે 28 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 જ્યારે આકાશ દીપ, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો.
રોહિત અને યશસ્વીની તોફાની બેટિંગ
વરસાદથી પ્રભાવિત આ મેચમાં જ્યારે ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી ત્યારે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે બાંગ્લાદેશી બોલરો સામે તોફાની બેટિંગ કરી હતી. હતો. યશસ્વીએ હસન મહમૂદની બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરી હતી. આ પછી રોહિત શર્માએ ખાલિદ અહેમદના બોલ પર સતત બે સિક્સર ફટકારીને બાંગ્લાદેશી ટીમને ચોંકાવી દીધી હતી. રોહિતે પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટનો નવો રેકોર્ડ
રોહિત અને યશસ્વીએ મળીને માત્ર ત્રણ ઓવરમાં ભારતના 50 રન પૂરા કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ દ્વારા આ સૌથી ઝડપી 50 રન છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો જેણે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે 4.2 ઓવરમાં 50 રન બનાવ્યા હતા.
માત્ર 61 બોલમાં 100 રન પૂરા થયા
સૌથી ઝડપી ફિફ્ટી બનાવ્યા બાદ ભારતે સૌથી ઝડપી 100 રનનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જો કે આ પહેલા આ રેકોર્ડ પણ માત્ર ભારતના નામે જ નોંધાયેલો હતો. ટીમ ઈન્ડિયાએ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 12.2 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. તેના પર સુધારો કરતાં તેણે કાનપુરમાં બાંગ્લાદેશ સામે માત્ર 10.1 ઓવરમાં 100 રન બનાવ્યા.