ગુજરાત પર પાણીની ઘાત : ગળતેશ્વરમાં ચાર મિત્રો ડૂબ્યા, એકનો બચાવ ; ત્રણના મૃતદેહો બહાર કાઢ્યા
ગુજરાત પર જાણે કે પાણીની ઘાત હોય તેમ છેલ્લા ઘણા સમયથી ડૂબવાની ઘટના સામે આવી રહી છે. હજુ તો ગુજરાતમાં ચોમાસું બેઠું પણ નથી ત્યાં તળાવ-નદીમાં લોકો ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં આજે મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદથી ફરવા આવેલા ત્રણ મિત્રોના મહીસાગર નદીમાં ડૂબી જવાથી મોત નિપજયા છે . ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વરની છે જ્યાં 9 જેટલાં મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન 9 મિત્રો ગળતેશ્વરની મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. જે દરમિયાન ચાર મિત્રો ડૂબવા લાગ્યા હતા. ચાર મિત્રોને ડૂબતા જોઇ અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા. અને ડૂબી રહેલા ચારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તરવૈયાઓ એકને બચાવવામાં સફળ રહ્યાં હતા. જ્યારે ત્રણ મિત્રોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ કરાતા સેવાલીયા પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને ગળતી દીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે. ત્યારે ગળતેશ્વર પાસે આવેલી મહિસાગર નદીમાં ન્હાવા માટે જતા 9માંથી ૪ મિત્રો ડૂબવા લાગ્યા હતા ત્યારે સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદ્યા હતા અને એક યુવકનો જીવ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે સેવાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અનુસાર, ગળતેશ્વરમાં ડૂબી ગયેલા ત્રણ યુવકોમાંથી એક મૃતકનું નામ હિતેશ ચાવડા જ્યારે બીજા મૃતકનું નામ સુનિલ કુશવાહ છે. ત્રીજા મૃતકની ઓળખ થઇ શકી નથી. પોલીસ દ્વારા તેની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
