ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસના નાકની નીચે દારૂનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાત કરીએ સુરતની તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં દેશીદારૂનું શાકભાજીની જેમ વેંચાણ થતું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારે હવે સુરતમાં જ દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ કરવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે જ્યાં દેશી દારૂ ના અડ્ડા પર જનતા રેડ કરવા ગયેલા પર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પર હુમલો થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હર્ષ સંઘવીના હોમ ટાઉન એવા સુરતમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવા અનેક સવાલ હાથ ઉઠી રહ્યા છે.
અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં ધમધમતા દેશીદારૂના અડ્ડા પર સ્થાનિક લોકોને સાથે રાખી જયેશ ગુર્જર નામના યુવક દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂનો મોટો જથ્થો સ્થળ પરથી મળી આવ્યો હતો. આ જનતા રેડ નો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તાય્રે જનતા રેડ બાદ જયેશ ગુર્જર પર જીવલેણ હુમલો થયો હતો જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયેશ ગુર્જર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે અને તે સામાજિક કાર્યકર અને રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ છે.
સુરતમાં શાકભાજીની જેમ દેશી દારૂ વેંચાઈ રહ્યો છે તો બીજી બાજુ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દેશીદારૂના વેંચાણનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છતા પણ આ દેશીદારૂનું વેંચાણ પોલીસની નજરે આવતું નથી કે પછી પોલીસ પણ બુટલેગર સાથે મળી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી અને જે લોકો આવા અડ્ડાને ખુલ્લા પાડે છે તેમના પર હુમલો કરવામાં આવે છે ત્યારે આવા બુટલેગરો ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.. !!