આંતરરાષ્ટ્રીય સરહદ પર પ્રથમ વખત પાકિસ્તાન દ્વારાગોળીબાર
છેલ્લા છ દિવસથી એલઓસી પર સતત યુદ્ધ વિરામ ભંગનું ઉલંઘન કરતી પાકિસ્તાની સેનાએ મંગળવારે રાત્રે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ યુદ્ધ વિરામ ભંગ કરી ગોળીબાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર પરગવાલ સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ વધારાના BSF જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.ભારતે પણ ત્વરિત વળતો જવાબ આપ્યો હતો. આ ઘટના અંગે એ પ્રદેશમાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) ને પરિસ્થિતિ અને યુદ્ધવિરામના ઉલ્લંઘન અંગે માહિતી આપવામાં આવી હતી.
મંગળવારે જ એલઓસી પર રાજૌરી જિલ્લાના નૌશેરા અને સુંદરબની સેક્ટરો તેમજ જમ્મુના અખનૂર સેક્ટર અને બારામુલ્લા તેમજ કુપવાડા જિલ્લાઓમાં પણ પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યા હતા.પાકિસ્તાનની આ હરકતો ઉપર ભારતીય સુરક્ષા દળો ચાપતી નજર રાખી રહ્યા છે. ભારતીય સેના પાસે યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં સામેલ લગભગ 20 પાકિસ્તાની ચોકીઓના વીડિયો અને ચિત્રો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.