લીંબડી-ધંધુકા હાઇવે પર ગોઝારો અકસ્માત : ટેન્કરે રિક્ષાને અડફેટે લેતા 2 લોકોના નિપજ્યાં મોત, ટેન્કર ચાલક ફરાર
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર પાસે બની છે જેમાં લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને અડફેટે લેતા 2 લોકોના મોત નિપજ્યાં છે ત્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડુંગર તલાવ પાસે થયેલા આ ગંભીર અકસ્માતમાં મૃતકોમાં બોરણા ગામના 70 વર્ષીય પ્રવીણસિંહ બાપાલાલસિંહ રાણા અને 52 વર્ષીય દેવુબેન ઘનશ્યામભાઈ મેટાલીયાનો સમાવેશ થાય છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના લીંબડી-ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે બની હતી જ્યાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને રિક્ષા એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં બનાવસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનાં ફુરચેફુરચા ઊડી ગયા છે. જ્યારે અકસ્માત સર્જીને ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી છ. સાથે જ સાક્ષી અને ઇજાગ્રસ્તોનાં નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.