અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત : ટાયર ફાટતા કાર ટ્રક સાથે અથડાતા ૩ના મોત, 2ની હાલત ગંભીર
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. નડીયાદ-બિલોદરા બ્રિજ પાસે કારનું ટાયર ફાટતા અને ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામન દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ગમખ્વાર ઘટના બની છે. માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
કારમાં કુલ પાંચ લોકો સવાર હતા
કારમાં કુલ પાંચ લોકો સવાર હોવાની જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે. ઘટના વિશે જાણકારી મળતાં જ નડિયાદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એક્સપ્રેસ વેની સહાય ટીમ પણ પહોંચી હતી.
અકસ્માતને પગલે થયો ટ્રાફિક જામ
ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ વે પર મોટાભાગના વાહનો પૂરપાટ ઝડપે જ દોડતા હોય છે. જોકે આ અકસ્માતને પગલે આ હાઇવે અચાનક થંભી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે એક્સપ્રેસ વે હાઈવેની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા ઉકેલી હતી. હાલમાં મૃતકોના મૃતદેહને નડિયાદની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હોવાની જાણકારી મળી રહી છે.