રાજકોટ AIIMSમાં દર્દીઓને દાખલ કરવાને બદલે સિવિલમાં ઘકેલી દેવાતા હોવાનો ધડાકો !! જિલ્લા આરોગ્ય સંકલન બેઠકમાં 108ના પ્રતિનિધિએ બૉમ્બ ફોડ્યો
રાજકોટમાં એઇમ્સ શરૂ થતા જ દર્દીઓને સારામાં સારી સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થશે તેવી આશાઓ ઉપર હાલના સમયમાં પાણી ફરી રહ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે, એક તરફ દર્દીઓ માટે ઇમરજન્સી એમ્યુલન્સ સેવા 108ને એઇમ્સમાં દર્દીઓને સારવાર માટે લઇ જવા કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ એઈમ્સના સત્તાવાળાઓ 108 મારફતે જતા દર્દીઓને દાખલ કરવાને બદલે રીફર કરી દેતી હોવાનું તેમજ કેટલાક કિસ્સામાં રિજેક્ટ કરી દેવામાં આવતા હોવાનું જિલ્લા આરોગ્ય સંકલન સમિતિમાં ફરિયાદ થતા એઇમ્સ સતાવાળા બચાવની ભૂમિકામાં આવી ગયા હતા અને હાલમાં બેઝિક ફેસેલિટી જ હોય દર્દીઓને લેવામાં ન આવતા હોવાનું સ્વીકાર્યું હતું.
રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે, એઇમ્સ હાલમાં દર્દીઓ માટે તો ઠીક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ માટે પણ નિરાશાજનક વલણ અપનાવી રહ્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે, તાજેતરમાં જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠકમાં 108ના પ્રતિનિધિએ ચોંકાવનારી ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, જયારે 108 મારફતે એઇમ્સમાં દર્દીને લઇ જવામાં આવે છે ત્યારે એઈમ્સના સત્તાવાળાઓ દર્દીને સારવાર આપવાને બદલે રીફર કરી દે છે, સાથે જ એઈમ્સના ડોકટરો એએનસી કેસ રિજેક્ટ કરી નાખતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

બીજી તરફ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિએ આ મામલે એઈમ્સના પ્રતિનિધિનો ખુલાસો પૂછતાં એઈમ્સના સતાવાળાઓએ રૂટિન મુજબનો જવાબ આપતા જણાવ્યું હતું કે, એઇમ્સમાં હજુ બેઝિક ફેસેલિટી જ શરૂ થઇ હોય દર્દીઓને રીફર કરવામાં આવી રહ્યા છે, નોંધનીય બાબત છે કે, છેલ્લા થોડા સમયમાં જ એઇમ્સ દ્વારા અનેક તબીબોના ઇન્ટરવ્યૂ કરી ભરતી પણ કરી છે છતાં પણ હજુ જૂની ઘસાયેલી કેસેટ વગાડી દર્દીઓને બેઝિક ફેસેલિટી જ હોવાથી દર્દીઓ લેવામાં ન આવતા હોવાનું જણાવ્યું હતું. જો કે, સંકલન સમિતિએ આગામી બેઠકમાં એઈમ્સના વહીવટી અધિકારીને હાજર થવા ફરમાન કર્યું હતું.
એઇમ્સમાં પીએમજેવાય યોજના શરૂ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે રાજકોટ એઇમ્સમાં વહીવટી અધિકારીઓની ઢીલી નીતિને કારણે અત્યાર સુધી સરકારની જ પીએમજેવાય યોજના હેઠળ દર્દીઓને સારવાર મળતી ન હતી, જો કે, હવેથી એઇમ્સમાં પીએમજેવાય કાર્ડ ઉપર સારવાર મળવાનું શરૂ થયું છે, સાથે જ કેટલાક કિસ્સામાં દર્દીઓને રિજેક્ટ કરવાની બાબતોમાં એઇમ્સ સતાવાળાઓએ એઇમ્સમાં એક પણ સારવાર સુવિધા મફત ન મળતી હોવાનું પણ જણાવ્યું હતું.