રાજકોટમાં રોજ સવાર પડે ને એક પરમીટવાળો પ્યાસી વધે !! સિવિલ હોસ્પિટલે 2 વર્ષમાં આટલા લોકોને દારૂની પરમીટ માટે આપી મંજૂરી
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી અમલમાં છે પરંતુ આરોગ્ય હેતુસર દારૂની પરમીટ મેળવી માલેતુજારો પોલીસના ડર વગર નિરાંતે દારૂ પી શકે તેવી જોગવાઈ હોવાથી દર વર્ષે રાજ્યમાં હજારો લોકો આરોગ્ય પ્રમાણપત્ર મેળવી દારૂની પરમીટ કઢાવે છે. બીજી તરફ બુધવારે રાજ્યની વિધાનસભામાં દારૂની પરમીટ માટે આપવામાં આવતા આરોગ્ય પ્રમાણપત્રની ઝડી વરસી હતી. રાજ્યના દસ ધારાસભ્યોએ ૨૦ જિલ્લામાં છેલ્લા બે વર્ષમા દારૂની પરમીટ માટે ઈશ્યુ કરાયેલ આરોગ્ય પ્રમાણપત્ર અંગે સવાલો કરતા આરોગ્ય વિભાગે જવાબ આપ્યો હતો જેમાં રાજકોટ રાજ સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા બે વર્ષમાં 634 લોકોને આરોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાનું અને આ પ્રમાણપત્ર બદલ સીવીલને અધધધ રૂ.1,84,32,000ની આવક થઈ હોવાનું જણાવ્યું હતું. આ સ્થિતિ જોતા દરરોજ સવાર પડયે એક પરમીટ ધારક વધી રહ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.
વિધાનસભાના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની ઝડી વરસાવી રહ્યા છે ત્યારે બુધવારે વિધાનસભામાં રજૂ થયેલા કુલ 70 પ્રશ્નોમાંથી દસ ધારાસભ્યોએ અલગ અલગ 20 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં તા. 31-01-2025ની સ્થિતિએ આરોગ્ય હેતુસર દારૂના સેવન માટે પરમીટ મેળવવા માટે મેડિકલ પ્રમાણપત્ર માટેની કેટલી અરજીઓ વિભાગને મળી, કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી નામંજૂર કરવામાં આવી અને ફી પેટે કેટલી રકમ સરકારને મળી? તેવા પ્રશ્ન આરોગ્ય વિભાગને કર્યો હતો જેના જવાબમાં અલગ અલગ જિલ્લાની સ્થિતિ રજૂ થઈ હતી. જે અંતર્ગત રાજકોટ અને જામનગર જિલ્લામાં બે વર્ષની સ્થિતિ અંગે સોમનાથ વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ
સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં આરોગ્ય વિભાગે જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૮૬૩ અરજીઓ મળી હતી જેમાંથી 634 અરજીઓ મંજુર કરવામાં આવી હતી અને 17 અરજીઓ ના મંજુર કરવામાં આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને રૂ.1,84,32,000ની આવક થઈ હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમા 1729 અરજીઓ દારૂની પરમીટ માટે આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા માટે અરજી થઈ હતી જેમાં 1560 અરજીઓ મંજુર કરી ૧૩૯ અરજી ના મંજુર કરવામાં આવી હતી અને જામનગર રોગી કલ્યાણ સમિતિને બે વર્ષમાં રૂ.૩,૮૬,૪૯,૦૦૦ની આવક થઈ હતી. આ સ્થિતિ જોતા રાજકોટમાં દૈનિક એક અને જામનગરમાં દૈનિક ૩ પરમિટેડ પ્યાસી વધી રહ્યા હોવાની ચિત્ર ઉપસી રહ્યું છે.