અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી
ભક્તિ, ભવ્યતા અને 144 વર્ષ જૂની પરંપરાનો સમન્વય એટલે અમદાવાદની જગન્નાથ રથયાત્રા. આવતીકાલે 16મી જુલાઈએ નીકળનારી 149મી રથયાત્રાની તૈયારીઓ જમાવટ પર છે. જગન્નાથ મંદિર પરિસરમાં ત્રણેય રથને નવો રંગરોગાન અને ઉપેણી ચડી રહી છે, ત્યારે આ વર્ષે ભગવાન માટે મથુરા-વૃંદાવનથી મંગાવેલા ખાસ કાપડના 7 જોડ વાઘા ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરક્ષાથી લઈને શણગાર સુધી, દરેક બાબતમાં આ વર્ષે ખાસ કાળજી લેવાઈ છે.
અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 16મી જુલાઈ, અષાઢી બીજના દિવસે નીકળનારી 149મી રથયાત્રા માટે જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે પરંપરા મુજબ તમામ વિધિઓ અને વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ટ્રક, અખાડા અને ભજન મંડળીઓના એસોસિયેશનને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
જળયાત્રાથી રથયાત્રા સુધીની વિધિઓ
રથયાત્રા પહેલા શ્રદ્ધાના અનેક ઉત્સવો યોજાશે. સાબરમતી નદીના કિનારેથી 108 કળશમાં ગંગાપૂજન કરી જળ લવાશે, જેનાથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક સ્નાન મહોત્સવ થશે. સ્નાનયાત્રા બાદ ભગવાન મોસાળાગમન કરશે અને પછી નેત્રોત્સવ વિધિ થશે. અષાઢ સુદ એકમના રોજ ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે. અષાઢી બીજના દિવસે વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથો પ્રસ્થાન કરશે. રથયાત્રા બાદ અમાસના દિવસે સંતો-મહંતો માટે ભંડારો, વસ્ત્રદાન અને દાલ-રોટીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
18 ગજરાજ અને કડક સુરક્ષા
ગત વર્ષે ખાડિયામાં ડીજેના અવાજથી ગજરાજ ભડક્યા હતા, એટલે આ વર્ષે ખાસ તકેદારી રખાઈ છે. મહંતશ્રીએ જણાવ્યું કે મહાવતો અને ભક્તોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. વન વિભાગના ડોક્ટરોની ટીમ 16થી 18 ગજરાજની હેલ્થ ચેકઅપ કરશે અને દરેક હાથી સાથે વધારાના માણસો તહેનાત રહેશે. પરંપરા મુજબ 108 ટ્રકો અને ભજન મંડળીઓ યાત્રામાં જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને સરકાર, મેયર તથા કોર્પોરેશને તમામ વહીવટી બેઠકો પૂર્ણ કરી લીધી છે.
વૃંદાવનના કાપડના 7 જોડ વાઘા
આ વર્ષે ભગવાનના શણગારની ખાસ વાત એ છે કે તેમના માટે 7 જોડ વિશેષ વાઘા તૈયાર થયા છે. વાઘા માટેનું ખાસ કાપડ અને એમ્બ્રોઇડરી મથુરા-વૃંદાવનથી મંગાવવામાં આવી છે. શાહપુર મોડ વાળાની પોળના અનુભવી દરજી સુનીલભાઈ વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે. અમાસ, એકમ, મંગળા આરતી અને રથમાં બિરાજમાન થતી વખતે ભગવાન કયા વાઘા ધારણ કરશે તે વાઘા આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.
સ્પેર વ્હીલ અને રૂટ
યાત્રા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે રથના સ્પેર વ્હીલ તૈયાર રખાયા છે, જેથી ભગવાન સમયસર નગરચર્યા પૂર્ણ કરી નિજ મંદિરે પરત ફરી શકે. મહત્વની વાત એ કે આ વર્ષે રથયાત્રાના રૂટ કે આયોજનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તિ અને ભવ્યતાથી ભરપૂર આ રથયાત્રા ફરી એક વખત અમદાવાદની ઓળખ બની રહેશે.
