એસ.ટી.ના કર્મચારીઓ માટે દીવાળી વહેલી: ડી.એ.માં 4 ટકાનો વધારો
એસ.ટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને એરિયર્સ સહિત રૂ. 125 કરોડથી વધુના લાભ પ્રાપ્ત થશે
ગુજરાતના એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આ વખતે દિવાળીનો તહેવાર વહેલો આવી ગયો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ મૂકીને આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર દ્વારા એસ.ટી નિગમના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.
આ સાથે જ એસ.ટી. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણય થકી એસ.ટી નિગમના કર્મચારીઓને રૂ. 125 કરોડથી વધુનો લાભ પ્રાપ્ત થશે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.