મકાનને બદલે ખુલ્લી જમીન દર્શાવી વેચાણ દસ્તાવેજ કરનાર સામે થશે ફોજદારી : રાજકોટમા 37 દસ્તાવેજમા સરકાર સાથે દગાબાજી આવી સામે
સ્ટેમ્પ ડયુટી બચાવવા માટે રાજકોટમાં અઢાર ગેજના કારીગરો દ્વારા મકાન ઉભું હોવા છતાં જાણી જોઈને ખુલ્લા પ્લોટ દર્શાવી મિલ્કતના વેચાણ દસ્તાવેજ કરવામાં આવી રહ્યા હોવાનું જગજાહેર છે ત્યારે સરકારે તમામ દસ્તાવેજ નોંધણીમાં જે તે મિલ્કતના અક્ષાંશ-રેખાંશ વાળા ફોટો ફરજીયાત કરવા છતાં અનેક આસામીઓ મકાનને બદલે ખુલ્લા પ્લોટ મુજબ જ દસ્તાવેજ નોંધાવતા હોય હવે સ્ટેમ્પ ઓફ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તમામ ખુલ્લા પ્લોટના દસ્તાવેજની 100 ટકા ચકાસણી કરવા આદેશ કરતા તાજેતરમાં આવા 37 કિસ્સામાં સરકાર સાથે દગાબાજી કરી સ્ટેમ્પડયુટીની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા હવે ફોજદારી પગલાં તોળાઈ રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં જન્માષ્ટમી પર્વએ મીઠાઈ-ફરસાણનું ભાવબાંધણું : આ વસ્તુઓ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ, જાણો ભાવ
જમીન કૌભાંડ માટે રાજ્યભરમાં રાજકોટ પંકાયેલ છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પડયુટી બચાવવા માટે મકાનના વેચાણમાં મોટાભાગના કિસ્સામાં ખુલ્લા પ્લોટના જ દસ્તાવેજ કરવામાં આવતા હોવાનું સામે આવતા રાજ્યના સુરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જમીન-મકાનના વેચાણ દસ્તાવેજમાં લગાવવામાં આવતા ફોટોમાં અક્ષાંશ-રેખાંશ વાળા ફોટો ફરજીયાત બનાવ્યા હતા. જો કે, દસ્તાવેજના કારીગરો અક્ષાંશ-રેખાંશ વાળા ફોટોમાં પણ કારીગીરી કરી અન્ય જગ્યાના ફોટો પાડી અક્ષાંશ-રેખાંશ દર્શાવી દેતા હોય સ્ટેમ્પ ડયુટી સુપ્રિન્ટેન્ડેટ દ્વારા ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં 100 ટકા વેરિફિકેશન કરવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : જન્માષ્ટમીએ રાજકોટના યાજ્ઞિક રોડ પર ‘ટ્રાફિક ટેરર’ નક્કી! મેળાના ટ્રાફિકને ‘મેનેજ’ કરવો તંત્ર માટે મુશ્કેલ બની જશે
બીજી તરફ રાજકોટ શહેર સ્ટેમ્પડયુટી નાયબ કલેકટર કચેરી દ્વારા તાજેતરમાં આવા ખુલ્લા પ્લોટની ચકાસણી કરવામાં આવતા 37 કિસ્સામાં બાંધકામ ઉભું હોવા છતાં ખુલ્લા પ્લોટ દર્શાવી સ્ટેમ્પડયુટીની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા તમામ આસામીઓને નોટિસો ફટકારી આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ભવિષ્યમાં સ્ટેમ્પડયુટીની ચોરીના બનાવો અટકે તે માટે સરકારની આંખમાં ધૂળ નાખી સ્ટેમ્પડયુટીની ચોરી કરનાર આસામીઓ સામે ફોજદારી રાહે પગલાં ભરવા પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી હવેથી હયાત બાંધકામ ઉભું હોવા છતાં ખુલ્લા પ્લોટના વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવનાર આસામીઓ સામે તવાઈ ઉતરશે.
વેચાણ દસ્તાવેજ ખુલ્લા પ્લોટનો, મોર્ગેજ દસ્તાવેજ બાંધકામનો !
સ્ટેમ્પડયુટીની ચોરી કરવા માટે છટકબારીનો ઉપયોગ કરનાર તત્વો પોતાની જ ભૂલને કારણે કાયદાની ઝપટે ચડી રહ્યા છે. મકાનની તુલનાએ ખુલ્લા પ્લોટની સ્ટેમ્પડયુટી ઓછી હોવાથી લોકો વેચાણ દસ્તાવેજ સમયે ખુલ્લો પ્લોટ દર્શાવી દસ્તાવેજની નોંધણી કરાવી લે છે. બાદમાં હોમલોન લેવી હોય આ જ ખુલ્લી જમીનના દસ્તાવેજ થયાના કલાકોમાં કે એકાદ અઠવાડિયામાં લોન મંજુર થાય ત્યારે બેન્કને મકાનનો મોર્ગેજ દસ્તાવેજ કરી દેતા હોવાનું બાબત પણ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પના ધ્યાને આવતા આવા મોર્ગેજ દસ્તાવેજની – પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
