- ગેઈમ ઝોન ગેરકાયદેસર હોવા છતાં ત્યાં બર્થ-ડે પાર્ટી કરવી કેટલી વ્યાજબી ? એક જ નહીં ત્રણ મ્યુનિ.કમિશનરને જવાબદાર ઠેરવતી હાઈકોર્ટ
- સરકાર પક્ષના વકીલે `સીટ’નો રિપોર્ટ ભાષાંતર કરીને આપતાં કોર્ટ ખફા: વધુ સુનાવણી ૧૩ સપ્ટેમ્બરે
રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે મ્યુનિ.કમિશનરોને ફરી જવાબદાર ઠેરવ્યા હતા સાથે સાથે તે કમિશનરો ઉપરાંત દરેક આરોપી પાસેથી ૧૦-૧૦ હજાર રૂપિયાની વસૂલાત કરી પીડિતોને ચૂકવવા જોઈએ તેવી ટકોર પણ કરી હતી.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે ગેઈમ ઝોન ગેરકાયદેસર હોવા છતાં મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ત્યાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ થવી જોઈએ. આ કાંડમાં મ્યુનિ.કમિશનર સીધા નહીં બલ્કે જવાબદાર તો છે જ એટલે તેમના ખીસ્સામાંથી પણ પીડિતોને વળતર ચૂકવવું જોઈએ કારણ કે મ્યુનિ.કમિશનર દ્વારા યોગ્ય સુપરવિઝન કરવામાં આવ્યું જ ન્હોતું. આ અંગે દલીલ કરતા એડવોકેટ જનરલે એવું કહ્યું હતું કે એક સિનેમામાં આગની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે મહાપાલિકાને જવાબદાર ઠેરવી હતી, મ્યુનિ.કમિશનરને નહીં એટલા માટે રાજકોટ મ્યુનિ.કમિશનર સુપરવાઈઝિંગ રોલ ધરાવે તે બરોબર પણ કોઈ જવાબદાર અધિકારીએ ટીઆરપી ગેઈમ ઝોનમાં ચાલતી ગેરરીતિ અંગે તેમનું ધ્યાન દોર્યું ન્હોતું.
જ્યારે પીડિત પક્ષના વકીલ દ્વારા એવી દીલ કરવામાં આવી હતી કે પીડિતોને પણ પીઆઈએલમાં જોડવામાં આવે. દરમિયાન કોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓનું લિસ્ટ માંગ્યું હતું જે પછી આઠ દોષિત અધિકારીઓનું લિસ્ટ અપાયું હતું જેમાં તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી સહિતના નામો સામેલ હતા. સરકાર દ્વારા મ્યુનિ.કમિશનરને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.