ઈશનિંદાના નામે આતંક….પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપીને નિર્દોષ છોડનાર ચીફ જસ્ટિસના માથા માટે એક કરોડનું ઈનામ જાહેર
પાકિસ્તાન ફરી એક વખત વિશ્વભરના પ્રસાર માધ્યમોમાં ચમકયું છે.આ વખતે આર્થિક કંગાલિયતને કારણે નહિ પણ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું માથું વાઢી લેવાના ધર્માંધ કટ્ટરવાદીઓએ બહાર પાડેલા ફ્તવાને કારણે.ધર્મના નામે આખા વિશ્વમાં ઈસ્લામિક આતંકવાદે ભરડો લીધો છે અને એ આતંકવાદીઓની ગંગોત્રી સમાં પાકિસ્તાનમાં ઘર આંગણે હવે કટ્ટરવાદ એ કક્ષાએ પહોચ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ સલામત નથી.આ ચીફ જસ્ટિસ નો ‘ ગુનો ‘ એ હતો કે તેમણે પાકિસ્તાનના બંધારણે જ ઘડેલા કાયદાની જોગવાઇનું પાલન કરી ને એક અહેમદિયા મુસ્લિમને ઈશનિંદા ના કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો.વાત એમ હતી કે અહેમદિયા સમુદાયના મુબારક અહેમદ સાની નામના શખ્સે તેના પંથના એક પુસ્તકનું વિતરણ કર્યું હતું.એ કૃત્યને ઈશનિંદા ગણી તેની ધરપકડ કરવામાં આવી હતી.જો કે ચીફ જસ્ટિસ કાઝી ફેઇઝ ઇસા એ ગુનો બન્યો ત્યારના કાયદામાં પુસ્તક વિતરણનો ઈશનિંદમાં સમાવેશ ન થતો હોવાનું જણાવી આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.આ ચુકાદા સામે કટ્ટરવાદીઓ મેદાનમાં આવી ગયા હતા હજારો લોકોએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો હતો.પરિસ્થિતિ ને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.લોકોએ આ ચુકાદાની સમીક્ષા કરવા 7 સપ્ટેમ્બર સુધીની મોહલત આપી છે.અને સાથે જ ચીફ જસ્ટિસનું માથું વાઢનારને એક કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનમાં પ્રધાનો,ગવર્નર અને વકીલો પણ સલામત નથી
પાકિસ્તાનનો કાયદો પણ ઇશનિંદાને ગુનો માને છે અને તેવા ગુના બદલ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. હાલત એવી છે કે ઇશનિંદા કરનારા તો ઠીક,તે અંગેના કાયદાનો વિરોધ કરનારાઓ પણ સલામત નથી. પંજાબના ગવર્નર સલમાન તાસીર આ કાયદામાં સુધારો કરવાના સમર્થક હતા. તેમનું કહેવું હતું કે આ કાયદો અલ્લાહે નથી બનાવ્યો,માણસે બનાવ્યો છે. આ કાયદો ચરમપંથી તત્વોને ઇશનિંદના બહાને નબળા વર્ગના લોકો તેમ જ લઘુમતી સમુદાય ઉપર હુમલા કરવા પ્રેરે છે. પાકિસ્તાનમાં કોઈ આવી વાત કરે તે તો કેમ સહન થાય? એ ગવર્નરને મે 2011માં મુમતાઝ કાદરી નામના તેમના જ બોડીગાર્ડએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. એ ઘટનાના એક મહિના બાદ પાકિસ્તાનના લઘુમતી ખાતાના પ્રધાન શાહબાઝ ભટ્ટીની પણ હત્યા થઈ હતી. ભટ્ટીએ પણ ઇશનિંદા કાનૂન હળવો કરવાની ભલામણ કરી હતી. 2013માં મૂલતાન યુનિવર્સિટીના જુનેદ હાફિઝ નામના પ્રોફેસરની સોશિયલ મીડિયા પર ઇશનિંદા કરતી પોસ્ટ મુકવાના આરોપસર ધરપકડ થઈ હતી. તેમનો કેસ લડતાં વકીલને ધમકીઓ મળતા તેમણે કેસ છોડી દીધો હતો. બીજા વકીલ રશીદ રહેમાનને પણ કટ્ટરવાદીઓએ ધમકીઓ આપવાનું શરૂ કરતાં એ વકીલે અને બાર એસોસિએશને પોલીસને ફરિયાદ કરી હતી પણ પોલીસે કોઈ પગલાં ન લીધા અને બાદમાં તેમની ઓફિસમાં જ કટ્ટરપંથીઓએ ગોળીબાર કરીને તેમને મારી નાખવામાં આવ્યા હતો.
ઇસ્લામફોબિયા માટે કટ્ટરવાદીઓની ધાર્મિક અસહિષ્ણુતા જવાબદાર
મુસ્લિમો વિશ્વના લગભગ તમામ દેશોમાં વસ્તી ધરાવે છે અને એ દરેક દેશોના ફ્રીડમ ઓફ સ્પીચ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અંગેના અલગ અલગ નિયમો હોય છે. ભારતમાં સનાતન ધર્મ કે હિન્દૂ દેવી દેવતાઓ અંગે ખુદ હિંદુઓ પણ અલગ મતની અભિવ્યક્તિ કરી શકે છે. ભારતમાં કોઈ એમ કહે કે ભગવાન જેવું કંઈ છે જ નહીં તો કોઈ તેનું ગળું નથી કાપી નાખતું. ખ્રિસ્તી દેશોમાં જીસસ અને પૉપ વિશે પણ વ્યંગાતમક કાર્ટુનો બનતા રહે છે પણ તેને કારણે આખા વિશ્વમાં ખ્રિસ્તીઓ રસ્તાઓ ઉપર નથી ઉતરી આવતા. તેનાથી વિપરીત એવી કોઈ પણ ઘટના બને તો આખા વિશ્વના મુસ્લિમ સમાજમાં તેના પડઘા પડે છે. ધાર્મિક કટરવાદ અને અસહિષ્ણુતાને કારણે આખો ધર્મ અને મુસ્લિમો બદનામ થઈ રહ્યા છે. મુસ્લિમો તેને ઇસ્લામ ફોબિયા ગણાવે છે પણ સાચી વાત એ કે ધર્મની કે ઇશનિંદાની વાત આવે ત્યારે એ આખો સમાજ અસહિષ્ણુ બની જાય છે. ધર્મની બાબતમાં મુસ્લિમો અત્યંત સંવેદનશીલ માનસિકતા ધરાવે છે અને તેને કારણે અનેક વખત હિંસા ફાટી નીકળી હોય તેવા બનાવો બન્યા છે.
ઈશનિંદાના નામે કનહૈયાલાલની હત્યાએ સમગ્ર દેશને ધ્રુજાવી દીધો હતો
ઇશનિંદાના નામે થતો આ ઉત્પાત અને હિંસા માત્ર પાકિસ્તાન કે મુસ્લિમ રાષ્ટ્રો પૂરતા જ મર્યાદિત નથી. ભારતમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર સાહેબનું અપમાન કરી ઈશનિંદા કરી હોવાના નામે કટ્ટરવાદીઓએ ભારે ઊહાપોહ મચાવ્યો હતો.
ગલ્ફના દેશોમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાનું એલાન અપાયું હતું. અંતે ભાજપે નૂપુર શર્મા સહિત બે નેતાઓને સસ્પેન્ડ કર્યાં હતા.નૂપુર શર્મા ની તરફેણમાં કથિત રીતે ટ્વીટ કરનાર ઉદયપુરના દરજી કનહૈયાલાલ નું બે મુસ્લિમ યુવાનોએ ગળું કાપી નાખ્યું હતું.એ ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો.આ અને આવી અન્ય ઘટનાઓ ભારતમાં હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય સર્જવામાં કારણભૂત બની છે.
બોક્સ
કથિત ઈશનિંદા ને કારણે યુરોપના દેશોમાં હિંસા, હત્યા, હુમલાનો બિહામણો ઇતિહાસ
( સલમાન રશદીનો ફોટો મુકી શકાય)
ત્રણ દાયકા પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક શેતાનીક વર્સીસ ના લેખક સલમાન રસદી ઉપર અમેરિકામાં ત્રીસ વર્ષ બાદ ખૂની હુમલો થયો હતો. 2005માં ડેનમાર્કમાં જાયલેન્ડ-પોસ્ટન નામના અખબારે પયગમ્બર સાહેબ અંગે પ્રસિદ્ધ કરેલા કાર્ટૂનને કારણે મોટો ભડકો થયો હતો. એ પછી વિશ્વભરમાં લાખો મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડેનમાર્ક અને યુરોપના દેશોમાં રાજદૂત કચેરીઓ ઉપર હુમલા થયા હતા. જુદા જુદા દેશોમાં ફાટી નીકળેલા તોફાનોમાં 250 લોકોના મોત થયા હતા. 2012માં નકોઉલા બેલેલી નકોઉલા નામના ફિલ્મ પ્રોડ્યૂસરે યુ ટ્યુબ ઉપર અપલોડ કરેલી ‘ઇનોસન્સ ઓફ મુસ્લિમ’ નામની બે વીડિયો ના વિરોધમાં મિડલ ઇસ્ટ,એશિયા,આફ્રિકા,યુકે,ફ્રાન્સ,
ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ફાટી નીકળેલા તોફાનોમાં 50 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના તત્કાલીન પ્રધાન ગુલામ મહમદે એ ‘કાફીર’ પ્રોડયુસરના માથા માટે ઇનામ જાહેર કર્યું હતું. એ અગાઉ લાર્સ વિલકસ નામના સ્વીડીશ કલાકારના કાર્ટુનોએ પણ મોટી બબાલ મચાવી હતી. અલકાયદા ની ઇરાક શાખાએ લાર્સની હત્યા માટે એક લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. વિશ્વના અનેક દેશોમાં મુસ્લિમો તોફાનો ચડ્યા હતા. લાર્સ વિલકસ ઉપર જાન નું જીખમ જણાતા તેને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું પણ એક દિવસ તેમની કાર સાથે એક લોરી ભટકાતા એ કાર્ટૂનિસ્ટ તેમ જ તેની સાથે રહેલા બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા.
બોક્સ
એક કાર્ટુનને કારણે ફ્રાન્સ ભડકે બળ્યું હતું
( ફોટા છે )
કથિત ઇશનીંદને કારણે સૌથી વધારે હિંસા ફ્રાંસમાં થઈ હતી. 2012માં ફ્રાન્સના ચાર્લી હેબડો નામના મેગેઝીને પ્રસિદ્ધ કરેલા કાર્ટૂન ના વિરોધમાં ફ્રાન્સ સહિત વિશ્વના અનેક દેશોમાં ભારે તોફાનો થયા હતા. ભારતમાં પણ કલકતા સહિત અનેક શહેરોમાં હજારો મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યાર બાદ 2015માં એ મેગેઝીનની ઓફિસમાં ઘુસી ઇસ્લામિક આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 12 કર્મચારીઓને મારી નાખ્યા હતી. આ ઘટનોને પગલે ફ્રાન્સમાં મુસ્લિમો વિરુદ્ધ પ્રચંડ રોષ અને ધિક્કારની લાગણી ફેલાઇ હતી. ફ્રાન્સમાં મુસ્લિમ શરણાર્થીઓ વિરોધી કટ્ટરપંથી જમણેરી જૂથોને પ્રચંડ લોકસમર્થન પ્રાપ્ત થવા લાગ્યું હતું. એ દરમિયાન 2020માં પેરિસની એક શાળામાં ફ્રીડમ ઓફ સ્પીચ વિશે સમજણ આપતી વેળાએ સેમ્યુઅલ પેટી નામની શિક્ષિકાએ ભૂલકાઓને પયગંબરનું કાર્ટૂન દેખાડતા ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ઉપાડો લીધો હતો અને એ હતભાગી શિક્ષિકાનું ગળું કાપી હત્યા કરી નાંખવામાં આવી હતી. તેના એક મહિના પહેલા ફ્રાન્સના નિસ શહેરમાં એક ચર્ચમાં એક મુસ્લિમ શખ્સે ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ઉપરા છાપરી બનેલી આ ઘટનાઓએ ફ્રાન્સ ને ખળભળાવી નાખ્યું હતું. જો કે ફ્રાન્સ ઝુક્યું નહોતું.તેના પ્રમુખ એમેન્યુએલ મેક્રોએ આ ઘટનાઓને ઇસ્લામિક આતંકવાદ ગણાવી એવા કટ્ટરપંથી તત્વોને સાફ કરી નાખવાનો આદેશ આપ્યો હતો. એ પ્રસંગે તેમણે ઇસ્લામ ધર્મ અંગે કરેલી ટિપ્પણી બાદ વિશ્વભરમાં લાખો મુસ્લિમો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાન,લેબેનોન,પેલેસ્ટાઈન,બાંગ્લા દેશ સહિતના દેશોમાં મેક્રો ના પૂતળા બળવામાં આવ્યા હતા. યુરોપના દેશો પણ સળગ્યા હતા.મુસ્લિમ રાષ્ટ્રોએ ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું વિશ્વવ્યાપી એલાન કર્યું હતું. ગલ્ફના અનેક દેશોમાં ફ્રાન્સની ચીજ વસ્તુઓ બાળવામાં આવી હતી.