ઘરેણા ઉજળા કરવાનું કહી ગઠિયા વૃદ્ધાનું ૨૭ ગ્રામ સોનું ચોરી ગયા
કેવડાવાડીમાં બે વ્યક્તિએ ઘરમાં ઘૂસી મહિલાની નજર સામે કારસ્તાન કર્યું’ને પકડાઈ જશે તેવું લાગતાં જ થઈ ગયા રફુચક્કર
રાજકોટમાં ચોરીની સાથે જ છેતરપિંડીના કિસ્સાઓ તેમાં પણ મહિલાઓને શિકાર બનાવી સોનું-ચાંદી અથવા રોકડ ઉસેડી જવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. આવો જ એક બનાવ કેવડાવાડીમાં બનવા પામ્યો છે જ્યાં બે ગઠિયા ઘરેણા ઉજળા કરવાનું કહીને વૃદ્ધાનું ૨૭ ગ્રામ સોનું ચોરી જતાં દોડધામ થઈ પડી હતી.
આ અંગે સુશીલાબેન રમેશચંદ્ર શાહ (ઉ.વ.૮૪)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં બે વ્યક્તિ ઘૂસી આવી હતી અને તેઓ ઘરેણા સાફ કરી આપે છે તેવું કહેતાં મેં ઈનકાર કર્યો હતો. આ પછી તેમણે એક પીત્તળનો ગ્લાસ સાફ કરી આપ્યો હતો. ત્યારબાદ ચાંદીની કોઈ વસ્તુ માંગતાં ભગવાનની આરતી કરવાનું દિવેલીયું આપ્યું હતું તે પણ સાફ કરી આપ્યું હતું. આટલું કર્યા બાદ તેમણે સોનાની વસ્તુ માંગી હતી પરંતુ સુશીલાબેને ઈનકાર કરતાં એક વ્યક્તિએ ડીશ, વાટકો અને બાકસ કાઢી હતી.
સુશીલાબેને ઈનકાર કરવા છતાં તેને વાતોમાં ભોળવી દઈ બે બંગડી અને પાટલા લઈને વાટકામાં નાખી તેને સળગાવ્યા હતા જેના કારણે ધૂમાડાથી ઉધરસ આવતાં સુશીલાબેને આમ કરવાનો ઈનકાર કર્યો હતો. આ બધું કર્યા બાદ સુશીલાબેને બન્નેને કહ્યું હતું કે હું જોઈ લઉં ત્યાં સુધી તમે બન્ને ઉભા રહો. સુશીલાબેને ટિફિનના ખાનામાં ઘરેણા ચેક કરતાં તેમાંથી સોનું નીકળી ગયાનું લાગ્યું હતું પરંતુ તે પહેલાં બન્ને ફરાર થઈ જતાં દેકારો મચાવ્યો હતો. આ પછી ઘરેણાનું વજન કરતાં ૨૭ ગ્રામ સોનુ ઓછું થયું હોવાનો અહેસાસ થતાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.