ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અનરાધાર વરસાદ પડવાથી રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી લોકોની મદદે એનડીઆરએફ તેમજ આર્મી અને મનપા ફાયરની ટીમો કામે લાગી હતી. ભારે વરસાદને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માહિતી મેળવી રહ્યા હતા તેમજ માર્ગદર્શન પણ આપી રહ્યા હતા ત્યારે આજરોજ આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે આવી પહોંચ્યા હતા.

ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. જ્યાં તેમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને મંત્રી મૂળુ બેરા, જામનગરના સાંસદ પૂનમ મામડ તથા ચીફ સેક્રેટરી પણ સાથે હતા.
આ પહેલા જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સાંસદ ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠક યોજી હતી. જામનગર બાદ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે, ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 38 ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી. તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ખંભાળિયામાં 16 ઇંચથી વધુ વરસાદથી પૂર આવ્યું
હાલારમાં સાર્વત્રિક સાડાપાંચથી સોળ ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ખંભાળિયામાં સતત બીજા દિવસે મેઘરાજાના અવિરત તાંડવના પગલે જનજીવન ખોરવાઇ ગયું હતું. મોડીસાંજ સુધીમાં જ વધુ સોળ ઇંચ પાણી વરસી જતાં તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે મેઘરાજા મંડાયા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે સાડા અગિયાર ઇંચ પાણી વરસાવી દીધું હતું. એના પગલે ઠેર-ઠેર જળ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. કલ્યાણપુર અને ભાણવડમાં નવ ઇંચથી વધુ વરસાદ મોડીસાંજ સુધીમાં વરસ્યો હતો.