વિકાસના અવરોધતા પરિબળો દૂર કરવા આજથી સોમનાથમાં ચિંતન શિબિર
રાજ્યના વિકાસને અવરોધતા પરિબળોને દૂર કરવાની સાથે ગુજરાતના વહીવટીતંત્રને વધુ ચેતનવંતુ કરવા આજથી દ્વાદશ જ્યોતિર્લિગ માંહેના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ૧૬ કેબિનેટ મંત્રીઓ સહિત તમામ મંત્રીઓ તેમજ રાજ્યના ૧૯૭ સનદી અધિકારીઓ ત્રણ દિવસ ચિતન કરશે. મહત્વની બાબત એ છે કે, તીર્થધામ સોમનાથમાં યાત્રાળુઓને આ ચિતન શિબીરથી મુશ્કેલી ન પડે તે માટે સનદી અધિકારીઓ સરકારી ગાડીઓને બદલે ટે્રન અને હવાઈ મુસાફરી કરી સોમનાથ પહોંચશે.
આજથી સોમનાથ ખાતે ગુજરાત સરકારની ૧૧મી ચિતન શિબિર યોજાઈ રહી છે. જેમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ ચિતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે મંત્રી પરિષદના ૧૬ કેબિનેટ મંત્રીઓ, મંત્રી તેમજ ૧૯૭ ઉચ્ચ અધિકારીઓ ચિતન શિબિરમાં સામેલ થશે. જેમાં વર્ષ ૨૦૪૭ના સંકલ્પ પત્રની સાથે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આપી રહેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે. ૩ દિવસમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચિતન બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્રની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
ચિતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્યના વહીવટી તંત્રને વધુ ચેતનવંતુ કરવા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમના અનુભવો, તેમને મળેલ સફળતાઓ, થયેલ સારા કામો હાથ ધરેલ સારા પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટમાં પડતી મુશ્કેલીઓ અને તેને નિવારવા માટેના પગલાઓની ચર્ચા-વિચારણા કરવા, અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્ર હેઠળ કરેલ સારા કામો સ્વીકારી, અપનાવી અને તેમનાથી પ્રેરણા મેળવી સાચા અર્થમાં વિકાસની કેડીએ જવા માટેનો પ્રયાસ, એ ચિતન શિબિરનો મુખ્ય હાર્દ છે.ચિતન શિબિરમાં વિકાસને અવરોધતા પરિબળો દૂર કરવા અને સમગ્ર રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે બાબતનું ચિતન પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચિતન શિબિરમાં અલગ અલગ ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં રાજ્યના પર્યટન,રાજ્યના ગામડાઓનો વિકાસ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકની આવક વધે તે માટેના પ્રયાસો સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે, સાથે જ યાત્રાધામ સોમનાથમાં દરરોજ સેંકડો યાત્રાળુઓ આવતા હોવાથી યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ચિતન શિબિરમાં આવતા અધિકારીઓને સરકારી વાહનો લઈને આવવાને બદલે ટે્રનમાં મુસાફરી કરવા સૂચના અપાઈ ચેહ તેમજ અમદાવાદ -ગાંધીનગરથી આવતા અધિકારીઓ અને મંત્રીઓને સીધા જ કેશોદ એરપોર્ટથી સોમનાથ લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.