ધીંગું મતદાન કરજો ! મોરબીવાસીઓને 400 પાર માટે મુખ્યમંત્રીનું આહવાન
મોરબી : લોકસભા ચૂંટણી પ્રચારના છેલ્લા સમયે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી ખાતે મોરબી – કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજાવી હતી, આ તકે તેઓએ મોરબીના પ્રજાજનોને ભાજપને મત આપી વડાપ્રધાનના 400પારના લક્ષ્યને સાર્થક કરવા જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત અપાવવા આહવાન કર્યું હતું.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આજે મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઇ હતી. આ તકે, મોરબીની જનતાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જન જનનો અવાજ છે કે 400 પાર સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. તેમણે ભાજપ સરકારે કરેલા કાર્યોની વાત કરી હતી જણાવ્યુ કે, ગુજરાતની તમામ સીટો જીતી વધુ લીડથી કેન્દ્રમાં સરકાર બનાવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ સ્થળે ખુલ્લી જીપમાં આવેલા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાહેરસભામાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ ઉમેર્યુ હતું કે, મતદાનને આડે હવે થોડા દિવસો જ રહ્યાં છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, મતદાનનાં દિવસે મતદારો વહેલા મતદાન મથકે પહોંચે અને મતદાન કરે. આ પ્રસંગે રણછોડભાઈ દલવાડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાથે જ મોરબીનાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી હવે ટુંક સમયમાં મહા નગરપાલિકા બનશે, મેડિકલ કોલજ બને છે અને 300 કરોડ રૂપિયાના ખર્ચે તળાવ પણ બનશે અને આ તમામ વિકાસનાં કાર્યો માટે હું મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.આ તકે, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર રાજવી કેસરિદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, વિઝા આપવા માટે જે દેશ અટકાવતા હતા એજ દેશો આજે લાલ જાજમ પાથરીને સ્વાગત કરે છે. આ ભારતની તાકાત છે.