ડાયમંડ સિટીમાં 200 કરોડનું હીરા કૌભાંડ ઝડપાયું!
કસ્ટમ વિભાગ દ્વારા બે કારોબારીની ધરપકડ : તપાસમાં અન્ય એજન્સીઓ જોડાય તેવી સંભાવના
હીરાનગરી તરીકે ઓળખાતા સુરતમાં આવેલા સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં (SEZ) હીરા મંગાવીને બારોબાર વેચવાનું રૂ. 200 કરોડ જેટલું કૌભાંડ ઝડપાયું છે. કસ્ટમ ડ્યુટી બચાવવા હીરા SEZ ખાતે મંગાવ્યા હતા અને ટેક્સ ચોરી માટે હીરા લોકલ માર્કેટમાં વેચવામાં આવ્યા હતા. આ મામલે કસ્ટમ વિભાગે બે કૌભાંડીને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા. બંનેને હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલવામાં આવ્યા છે. જ્યારે આ કેસની તપાસમાં અન્ય એજન્સીઓ પણ જોડાઈ શકે છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કસ્ટમ ડ્યુટી બચાવવા વિદેશથી હિરા SEZ માં મંગાવ્યા હતા અને પછી ટેક્સ ચોરી કરવાના હેતુથી હીરા લોકલ માર્કેટમાં વેચવામાં આવ્યા હતા. આ કેસમાં આશિષ ભેડા અને જયરાજ ભેડા નામનાં બે શખ્સની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. હાલ બંનેને ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ, રફ હીરા વિદેશોમાંથી મંગાવવામાં આવે છે અને ત્યાર બાદ સચિવ SEZ ખાતે પોલિશડ કરીને ફરી વિદેશ મોકલાય છે. જે કિસ્સામાં ટેક્સ ચૂકવવામાં રાહત મળતી હોય છે. જો કે, વિદેશથી રફ હીરા મંગાવીને તે હીરા સુરત સહિત દેશનાં લોકલ માર્કેટમાં વેચવામાં આવે તો નિયમ પ્રમાણે 0.25% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. પરંતુ, વિદેશથી રફ હીરા મંગાવીને લોકલ માર્કેટમાં વેચી ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીનાં આધારે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી અને બે શખ્સની ધરપકડ કરી હતી. આ તપાસમાં કંપનીએ રૂ. 200 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ વિભાગે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં અન્ય એજન્સીઓ પણ જોડાય તેવી સંભાવના છે.