મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં : પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરોડોના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા.6ને શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટની મુલાકાત દરમિયાન તેઓ રૈયારોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી શહેર-જિલ્લાના કરોડો રૂપિયાના વિકાસકામોના વર્ચ્યુઅલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ અવઢવ બાદ મંગળવારે સવારે વિડીયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક બાદ કાર્યક્રમ નક્કી કરાયો હતો. મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતા જ સાંજના સમયે જિલ્લા કલેકટરે કાર્યક્રમની તૈયારીઓ માટે સંબંધિત વિભાગો સાથે મહત્વની બેઠક પણ યોજી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી આગામી તા.6 જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે, અગાઉ તેઓનો 5મી જૂનનો કાર્યક્રમ નક્કી કરાયો હતો જો કે, બાદમાં મંગળવારે સવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક બાદ તા.6ને શુક્રવારના રોજ રાજકોટનો કાર્યક્રમ ફાઇનલ કરવામાં આવ્યો હતો. રાજકોટ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે રૈયારોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 5થી 6 દરમિયાન કાર્યક્રમ યોજાશે જેમાં રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ પ્રકલ્પ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાશે.
દરમિયાન મુખ્યમંત્રીનો રાજકોટ કાર્યક્રમ નક્કી થતા જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ સંબંધિત વિભાગો સાથે સાંજના સમયે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યક્રમની તૈયારી અંગે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે સાંજે 5થી 6 દરમિયાન કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી હવાઈ માર્ગે અમદાવાદ રવાના થયા બાદ બીજા દિવસે એટલે કે, તા.7ના રોજ જામનગરની મુલાકાત લઈ કરોડો રૂપિયાના વિકાસ કામોની પ્રજાને ભેટ આપનાર હોવાનું જાણવા મળે છે.