કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગોંડલના મહેમાન બનશે
પાન એગ્રી અને પાન હેલ્થકેરના કાર્યક્રમમાં સહભાગી બનશે
રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અઠવાડિયામાં બીજી વખત રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, આગામી તા.31ને સોમવારે સવારે મુખ્યમંત્રી સીધા જ ગોંડલ પહોંચશે ત્યાંથી પહેલા પાન એગ્રી એક્સપોર્ટના શેમળા ખાતેના યુનિટીની મુલાકાત લઇ ગોંડલના બિલિયાળા નજીક આવેલ પાન હેલ્થકેર ખાતે નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સાથે અન્નપૂર્ણા રથ લોકાર્પણ, મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગેના કંપનીના પ્રોજેક્ટને લોન્ચ કરનાર હોવાનું જાણવા મળે છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા.31ને સોમવારના રોજ ગોંડલ ખાતે આવી રહ્યા હોય જિલ્લા વહીવટીતંત્ર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ગાંધીનગરથી સીધા જ હેલીકૉપટર મારફતે સવારે 10 વાગ્યા આસપાસ ગોંડલ પહોંચશે. બાદમાં પાન એગ્રી એક્સપોર્ટના શેમળા ખાતેના યુનિટીની મુલાકાત લઇ ગોંડલના બિલિયાળા નજીક આવેલ પાન હેલ્થકેર ખાતે નવા પ્રોજેક્ટના કાર્યમાં સહભાગી બનશે બાદમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના બોલબાલા ટ્રસ્ટને અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવાની સાથે શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ માટે પાન ઇન્ડિયા દ્વારા 2.51 લાખ સેનેટરીપેડ વિતરણની ઝુંબેશનો પ્રારંભ કરાવશે. ગોંડલ ખાતે અંદાજે બે કલાકના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી હવાઈમાર્ગે સીધા જ રવાના થનાર હોવાનું અને અન્ય કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી નહીં આપનાર હોવાનું જાણવા મળે છે.
