રાજકોટ એરપોર્ટને ‘કમાણી’ ડબલ: દર મહિને 3 કરોડની આવક
ભલે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ નથી પણ ડોમેસ્ટિક ફલાઈટની ઉડાન વધી:મહિને 740 થી 745 ફલાઇટ ઓપરેશનમાં 2 કરોડ અને હોર્ડિંગ્સ,ભાડાની જગ્યામાંથી 1 કરોડની આવક
રાજકોટ એરપોર્ટ પર ભલે હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી પણ ‘કમાણી’ ડબલ થઈ ગઈ છે. દર મહિને 740 થી 745 જેટલી ફ્લાઈટની ઉડાન સાથે દર મહિને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ કરોડની આવક નોંધાય છે.
ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને પી.એમ.મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ. નવું ટર્મિનલ પણ હવે ફુલફ્લેશમાં શરૂ થઈ ગયું છે. જુના એરપોર્ટ ની તુલનામાં નવા એરપોર્ટ પરથી એરટ્રાફિક વધ્યો છે,જ્યારે ફ્લાઈટમાં પણ વધારો થયો છે.
મળતી વિગતો અનુસાર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 12 ફ્લાઈટ ઉડાન ભરે છે. આ 12 ફ્લાઈટનો લેન્ડિંગ અને ટેકઓફ ચાર્જ, એરક્રાફ્ટનો પાર્કિંગ ચાર્જ ઉપરાંત રાજકોટ એરપોર્ટની હદમાં આવતા આકાશી સીમા પરથી પસાર થતાં અન્ય વિમાનોનાં નેવિગેશન ચાર્જ આ બધું મળીને દર મહિને બે કરોડની આવક એરક્રાફ્ટની ઉડાનમાંથી થાય છે, આ ઉપરાંત એરપોર્ટમાં આપેલી ભાડાની જગ્યા, જાહેરાત માટેના હોર્ડિંગ્સ સહિતની દર મહિને 1 કરોડની કમાણી કરે છે.
રાજકોટ શહેરમાં જૂનું એરપોર્ટ કાર્યરત હતું ત્યારે દર મહિને 365 જેટલી ફ્લાઈટ ઉડાન ભરતી હતી અને જેના થકી 1.6 કરોડની આવક થતી હતી. જેની તુલનામાં નવા એરપોર્ટમાં ફ્લાઈટ વધી છે અને પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થયો હોવાથી ડોમેસ્ટિક ફલાઇટ ઓપરેશન ચાલુ હોવા છતાં ફ્લાઈટની સાથે ફાઇનાન્સમાં પણ રાજકોટ એરપોર્ટ નવી ઉડાન ભરી રહ્યું છે. જુના એરપોર્ટમાં આવક કરતા જાવક વધારે હતી.
ડેઇલી 12 અને 1 નોનશેડયુલ ફલાઇટ ઉડાન ભરે છે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 12 ફ્લાઈટ દરરોજ ઉડાન ભરે છે, જ્યારે એક ફ્લાઈટ નોનશેડ્યુલ છે. મુંબઈની પાંચ, દિલ્હી અને પુનાની બે, હૈદરાબાદ ગોવા અને બેંગલોરની એક એક ફ્લાઈટ જ્યારે સુરતની એક નોનસેડ્યુલ ફ્લાઈટ ઉડાન કરે છે. દર મહિને 3 કરોડની આવક નોંધાતા 12 મહિને 36 કરોડની કમાણી રાજકોટ એરપોર્ટ વિભાગ કરી રહ્યું છે.
એરક્રાફ્ટના વજન,કલાક મુજબ વિમાની કંપનીઓ પાસેથી ચાર્જ લેવાય છે
એરપોર્ટમાં પેસેન્જર વિમાન, કાર્ગો કે સ્પેશિયલ વિમાન ટેકઓફ કે લેન્ડિંગ કરે ત્યારે તેની પાસેથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચાર્જ વસુલ કરવામાં આવે છે આ ચાર્જ કેટલો રહેશે તે વિમાનનાં વજન પર આધારિત હોય છે, રન વે નો ઉપયોગ કરવાં માટે મુવમેન્ટ ચાર્જીસ કહેવામાં આવે છે.તેની ગણતરી વિમાનનાં વજનનાં આધારે કરવામાં આવે છે. વિમાનનાં ચાર્જિસ સામાન્ય રીતે એરક્રાફ્ટના કદ અને એપ્રોન પર રહેલાં કુલ કલાકોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. ચેક ઇન કાઉન્ટર,લગેજ,કન્વેયર બેલ્ટ અને બોર્ડિંગ સહિતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગ માટે ફી વસૂલવામાં આવે છે.