નર્મદે સર્વદે : સરદાર સરોવર છલકતા નર્મદા મૈયાના વધામણાં કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
સતત પાંચમી વખત નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો
રાજકોટ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સતત પાંચમી વખત પૂર્ણ સપાટીએ પહોંચી છલકાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંગળાવરે નર્મદા મૈયાના વધામણાં કર્યા હતા.સરદાર સરોવર ડેમની 138.68 મીટર સપાટીએ પહોંચ્યો છે, ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘનમીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજન થકી કર્યા હતા.
ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો છે, અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે. નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10014 ગામો, 183 શહેરો અને 7 મહા નગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું.
વર્ષ 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતાં પાણી હવે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.